યૂપીથી જૈશના બે સંદિગ્ધ આતંકીની ધરપકડ, નવી ભરતીની મળી હતી જવાબદારી

22 February, 2019 03:03 PM IST  |  લખનઊ

યૂપીથી જૈશના બે સંદિગ્ધ આતંકીની ધરપકડ, નવી ભરતીની મળી હતી જવાબદારી

યૂપીથી પકડાયા જૈશના સંદિગ્ધો

યૂપી એસટીએસને આજે મોટી સફળતા મળી છે. એટીએસની ટીમે વહેલી સવારે સહારનપુરના દેવબંદથી શાહનવાઝ નામના શખ્સની ધરપકડ કરી છે. તેઓ એક સાથી પણ પકડાયા છે. આ બંને જૈશ-એ-મોહમ્મદના સક્રિય સભ્યો છે. તેઓ યુવાનોને જૈશ-એ-મોહમ્મદમાં ભરતી કરાવવાના કામમાં લાગ્યા હતા.

ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે કહ્યું કે શાહનવાઝ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એક્ટિવ મેમ્બર છે. ડીજીપી ઓપી સિંહે કહ્યું કે આ બંને પાસેથી મોટી માત્રામાં આપત્તિજનક સામગ્રી પણ મળી છે. ગઈકાલે રાત્રે સહારનપુરના દેવબંધથી બંને આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ શાહનવાઝ અહમદ તેલી અને આકિબ અહમદ છે. આ બંને મંજૂરી વિના દેવબંધમાં રહેતા હતા. તેમની પાસેથી .32 બોરની બે પિસ્ટલ અને ગોળીઓ મળી છે. સાથે જ બંને પાસેથી જેહાદી ઑડિયો, વીડિયો અને લિખિત સામગ્રી મળી આવી છે. આજે જ બંનેને એટીએસની કોર્ટમાં રજૂ કરીને રિમાંડ પર લેવામાં આવશે.

ડીજીપી ઓપી સિંહે કહ્યું કે આ બંનેમાંથી ખૂબ જ સક્રિય આતંકી શાહનવાઝ અહમદ તેલી કશ્મીરના કુલગામનો રહેવાસી છે. આકિબ અહમદ પુલવામાનો રહેવાસી છે. અમે તેમના બાકીના સાથીઓની તપાસ કરી રહ્યા છીએ. ડીજીપીએ કહ્યું કે શાહનવાઝનું કામ આતંકીઓની ભરતી કરવાનું હતું. તેનું શરૂઆતનું કામ બ્રેઈનવૉશ કરવાનું પણ હતું. તે ગ્રેનેડનો ઉપયોગ કરવામાં એક્સપર્ટ છે. આ કાર્રવાઈમાં અમે જમ્મૂ કશ્મીર પોલીસના પણ સતત સંપર્કમાં છીએ.

શાહનવાઝ લાંબા સમયથી જૈશના નેટવર્ક માટે ભરતીનું કામ કરી રહ્યો હતો. દેવબંધમાં પણ નવી ભરતી માટે તે અનેક યુવાનોનો સંપર્કમાં હતો. એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આ લોકોએ અત્યાર સુધીમાં કેટલા લોકોની ભરતી કરાવી છે અને તેમનો ટાર્ગેટ શું હતો. બંનેની પૂછપરછમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. CRPFના કાફલા પર થયેલા હુમલામાં પણ તેમની ભૂમિકાની તપાસ થઈ શકે છે.

jaish-e-mohammad uttar pradesh terror attack