30 May, 2025 06:49 AM IST | Shopian | Gujarati Mid-day Online Correspondent
શોપિયામાં લશ્કર-એ-તૈયબા (LeT) ના બે હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
એક સંયુક્ત કાર્યવાહીમાં, ભારતીય સેનાની 44 રાષ્ટ્રીય રાઇફલ્સ (RR 44), જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF ની 178 બટાલિયને શોપિયાના બસ્કુચન ઇમામસાહેબ વિસ્તારમાંથી લશ્કર-એ-તૈયબા (LeT) ના બે હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. સુરક્ષા દળોએ ઑપરેશન દરમિયાન આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ચોક્કસ માહિતીના આધારે, શોપિયાના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG), 44RR અને 178 બટાલિયન CRPF એ બસ્કુચનમાં કોર્ડન અને સર્ચ ઑપરેશન (CASO) શરૂ કર્યું. ઑપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને નજીકના બગીચામાં આતંકવાદીઓ જોવા મળ્યા હતા. આ પછી, સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને બે હાઇબ્રિડ આતંકવાદીઓ ઇરફાન બશીર અને ઉઝૈર સલામે આત્મસમર્પણ કર્યું.
આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો જપ્ત
2 AK-56 રાઇફલ્સ
4 મેગેઝિન
102 રાઉન્ડ (7.62×39mm)
2 હેન્ડ ગ્રેનેડ
2 પાઉચ
5400 રૂપિયા રોકડા
1 મોબાઇલ ફોન
1 સ્માર્ટવૉચ
2 બિસ્કિટ પેકેટ
1 આધાર કાર્ડ
FIR નોંધાઈ
પોલીસે જણાવ્યું હતું કે બંને આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે અને સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે ચાલી રહેલી કડક કાર્યવાહીનો એક ભાગ છે, જેના હેઠળ સેના, પોલીસ અને અન્ય સુરક્ષા દળો સંયુક્ત રીતે આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે કાર્યવાહી કરી રહ્યા છે.
તાજેતરમાં, બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના સતર્ક જવાનોએ ૨૩ મેએ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી ભારતીય સીમામાં ઘૂસવાની કોશિશ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. આ ઘૂસણખોરનો મૃતદેહ વાવ રેફરલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા શરૂ કરાયેલા ઘેરાબંધી અને શોધખોળ અભિયાન દરમિયાન આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક સૈનિક શહીદ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળો ચતરુના શિંગપોરા વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આ એન્કાઉન્ટર થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં ચાર આતંકવાદીઓ જોવા મળ્યા હતા. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. ભારતીય સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આજે સવારે કિશ્તવાડના ચતરુમાં પોલીસ સાથેના સંયુક્ત ઑપરેશન દરમિયાન, આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો છે." આ વિસ્તારમાં વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને આતંકવાદીઓને બેઅસર કરવા માટે ઑપરેશન ચાલી રહ્યું છે. તાજેતરમાં ઑપરેશન સિંદૂર બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો ફરી એકવાર હરકતમાં આવ્યા છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. સતત ગોળીબાર બાદ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. પછી થોડી વારમાં, વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા. આ એન્કાઉન્ટર શોપિયાના જામ્પાથ્રી કેલર વિસ્તારમાં થયું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.