બંગલા દેશમાં મંદિરો પર ફરી હુમલા થયા : બે હિન્દુનાં મોત

17 October, 2021 11:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દુર્ગાપૂજાના આરંભે કુરાનના કહેવાતા અપમાનના વિરોધમાં કોમી હિંસા ભડકી છે

બંગલા દેશમાં ફાટી નીકળેલી કોમી હિંસામાં નોઆખલીમાં બે કારને ટોળાએ બાળી નાખી હતી અને ઘણી તોડફોડ કરી હતી (તસવીર : એ.એફ.પી.)

પાડોશી દેશ બંગલા દેશમાં ધાર્મિક લઘુમતી સમુદાય પર કરવામાં  આવી રહેલા હુમલાઓમાં ગઈ કાલે બે હિન્દુ પુરુષો માર્યા ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દુર્ગા પૂજાના અંતિમ દિવસે બેગમગંજ વિસ્તારના એક મંદિરમાં હિન્દુ ભક્તો ભેગા મળીને ધાર્મિકવિધિ કરી રહ્યા હતા, જ્યારે ૨૦૦ કરતાં વધુ હિન્દુ વિરોધીઓએ મંદિર પર હુમલો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર હુમલાખોરોએ શુક્રવારે મંદિર સમિતિના એક એક્ઝિક્યુ​ટિવ મેમ્બરને છરીના ઘા મારીને તેની હત્યા કરી હતી. આ બનાવના બીજા દિવસે એટલે કે ગઈ કાલે વધુ એક હિન્દુ પુરુષની લાશ મંદિરની બાજુમાં આવેલા તળાવ પાસેથી મળી આવી હોવાનું સ્થાનિક પોલીસ સ્ટેશનના વડા શાહ ઇમરાને જણાવ્યું હતું.

જિલ્લા પોલીસ વડા શાહિદુલ ઇસ્લામે કહ્યું હતું કે ગઈ કાલના હુમલામાં બે જણનું મૃત્યુ થયું હતું. અમે આ ઘટનાના ગુનેગારોને શોધી રહ્યા છીએ.

મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં હિન્દુઓ પરના હુમલાઓની શરૂઆત મુસ્લિમોના પવિત્ર ધર્મગ્રંથ કુરાનના કથિત અપમાનની ઘટના બાદ થઈ હતી.

હુમલામાં એક પૂજા પંડાલમાં દેવી દુર્ગાની મૂર્તિના ઘૂંટણ પર મૂકવામાં આવેલા કુરાનના ફોટાઓના ફુટેજ સામે આવ્યા બાદ હિન્દુ વિરોધીઓએ દેશભરના પંડાલો અને મંદિરો પર હુમલો કર્યો હતો.

national news bangladesh