૩૦ લાખ રૂપિયામાં NEET-UGનું પેપર ખરીદનારા રાજસ્થાનના બે ભાઈઓ ઝડપાયા

14 May, 2026 12:14 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

દીકરા માટે ગુરુગ્રામના ડૉક્ટર સાથે કરી હતી ડીલ. આમાંથી એક ભાઈનું રાજકીય કનેક્શન હોવાનું પણ બહાર આવ્યું છે.

NEET-UGના પેપર-લીક કેસમાં પકડાયેલા રાજસ્થાનના ભાઈઓ.

NEET-UGના પેપર-લીક કેસમાં રાજસ્થાનથી બે ભાઈઓની ધરપકડ થઈ છે. બન્ને ભાઈઓએ પરીક્ષા પહેલાં ગુરુગ્રામના એક ડૉક્ટર પાસેથી પેપર મેળવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ રાજસ્થાનના જામવા રામગઢમાં રહેતા માંગીલાલ અને દિનેશ બિવાલે પરીક્ષા પહેલાં ૨૬ એપ્રિલે ૩૦ લાખ રૂપિયા આપીને પેપર ખરીદ્યું હતું. એમાંના એક ભાઈએ આ પેપર રાજસ્થાનના જ સીકરમાં મેડિકલ પરીક્ષાની તૈયારી કરી રહેલા તેના પુત્રને આપ્યું હતું. ૨૯ તારીખે આ પેપર બીજા સ્ટુડન્ટને પણ વેચવામાં આવ્યું હતું અને ત્યાર પછી આ પેપર બધે જ ફેલાઈ ગયું હતું. આમાંથી એક ભાઈનું રાજકીય કનેક્શન હોવાનું પણ બહાર આવ્યું છે.

તે ડૉક્ટર કોણ? રહસ્ય અકબંધ

વિવાદ ગુરુગ્રામના ડૉક્ટર પાસેથી પેપર ૩૦ લાખ રૂપિયામાં ખરીદાયું ત્યાંથી શરૂ થતો હોવા છતાં એ ડૉક્ટરનું નામ હજી સુધી જાહેર કરાયું નથી અને તેની ઓળખ હજી સુધી છતી થઈ નથી. તપાસકર્તાઓ દ્વારા પણ આ ડૉક્ટર કોણ છે એ વિશે ફોડ પડાયો નથી. આ વિશે ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)ના ડૉક્ટર રાકેશ કટારિયાએ જણાવ્યું હતું કે કોઈ પણ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીએ હજી સુધી કથિત ડૉક્ટર વિશે પૂછપરછ કરવા માટે મેડિકલ બૉડીનો સંપર્ક કર્યો નથી.

સીકરના MBBS કાઉન્સેલિંગ એજન્ટે ગેસ્ટહાઉસમાં રહેતી છોકરીઓને પેપર પહોંચાડ્યું

લીક થયેલું પેપર જામવા રામગઢથી સીકરના MBBS કાઉન્સેલિંગ એજન્ટ રાકેશ મંડવારિયાને વેચવામાં આવ્યું હતું, જેણે ૩૦,૦૦૦ રૂપિયામાં અન્ય એક સાથીદારને વેચ્યું હતું જે કેરલમથી MBBSનો અભ્યાસ કરી રહ્યો હતો. જોકે તેણે આ પેપર ગર્લ્સ ગેસ્ટહાઉસમાં ઑપરેટર તરીકે કામ કરતા પિતાને મોકલ્યું હતું. પેપર સાથે મોકલાવેલા મેસેજમાં તેણે લખ્યું હતું કે ‘પપ્પા, આવતી કાલે પેપરમાં આ આવશે. તમારા ગેસ્ટહાઉસમાં રહેતી છોકરીઓને આપી દો.’ ત્યાર બાદ બીજી અનેક જગ્યાએ પણ આ પેપર મોકલાવાયું હોવાનું તપાસમાં જણાયું હતું.

national news india neet exam Education central board of secondary education rajasthan