લદ્દાખને ચીનનો ભાગ દર્શાવવાનો વિવાદમાં ટ્વિટરનો જવાબ અપર્યાપ્ત

28 October, 2020 06:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લદ્દાખને ચીનનો ભાગ દર્શાવવાનો વિવાદમાં ટ્વિટરનો જવાબ અપર્યાપ્ત

ટ્વીટર

થોડા દિવસ પહેલા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં યુઝર્સ ટ્વીટરથી નારાજ છે. ટ્વિટર પર લાઈવ બ્રોડકાસ્ટ દરમિયાન જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો બતાવવામાં આવતા લોકો અચંબામાં પડી ગયા છે. આ બાબતે ડિફેન્સ એનાલિસ્ટ નિતિન ગોખલેએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન રવિશંકર પ્રસાદને ફરિયાદ પણ કરી હતી. ટ્વીટરે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરને ચીનનાં ભાગ રૂપે બતાવ્યા બાદ ભારત દ્વારા સખત વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે.

આઈટી સેક્રેટરી અજય સાહનીએ ટ્વિટરનાં સીઈઓ જેક ડોર્સી પર આ મામલે ભારતનાં નકશાની ખોટી રજૂઆત કરવા સામે વાંધો ઉઠાવતા કહ્યું છે કે આવા પ્રયાસોથી ટ્વીટરની નિષ્પક્ષતા અને કામગીરી પર પણ સવાલો ઉભા થાય છે, તેમજ તેની વિશ્વસનીયતા પણ નીચે આવી જાય છે. 

ટ્વીટર દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમે ભારત સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ છીએ. અમે પત્રમાં છે તે ચિંતાઓને સમજી અને તેનો આદર કરીએ છીએ. આ અગાઉ ટ્વિટરનાં પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું હતું કે, અમે કેસની સંવેદનશીલતાને સમજીએ છીએ. અમે રવિવારે તકનીકી સમસ્યાથી વાકેફ છીએ. આ સમગ્ર મામલાની તપાસ કરીને નિરાકરણ લાવવામાં આવ્યું છે.

જોકે બુધવાર ટ્વિટરના પ્રતિનિધિ સંસંદિય સમિતિ સમક્ષ હાજર થયા હતા. ડેટા સંરક્ષણ વિધેયક અંતર્ગત સંસદીય સમિતિએ તેમની સાથે પૂછપરછ કરી. ટ્વિટરે આ મામલે જે ખુલાસો રજુ કર્યો છે તેને પેનલના સભ્યોએ અપર્યાપ્ત ગણાવ્યો છે.

સંસદિય સમિતિના અધ્યક્ષ મીનીક્ષી લેખે જણાવ્યું કે લદ્દાખને ચીનનો ભાગ દર્શાવવો એક પ્રકારનો અપરાધ છે. જેમાં સાત વર્ષ સુધીની સજા પણ થઇ શકે છે. ટ્વિટના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ ભારતની સંવેદનશીલતાનું સન્માન કરે છે. આ અંગે મીનાક્ષી લેખીએ કહ્યું કે આ સવાલ સંવેદનશીલતાનો નથી, પરંતુ ભારતની સંપ્રભુતા અને અખંડતાનો છે.

આ મામલે હવે ટ્વિટરે લેખિતમાં જવાબ આપવો પડશે અને જણાવવું પડશે કે તેમણે લદ્દાખને ચીનનો ભાગ કેમ દર્શાવ્યો. ટ્વિટર તરફથી આ મામલે સગુપ્તા કમરાન, પલ્લવી વાલિયા, મનવિંદર બાલી અને આયુષી કપૂર સંસદિય સમિતિની સમક્ષ હાજર થયા હતા.

china ladakh twitter