Maharashtra Rains: કોંકણ રેલવે પર ટ્રેન સેવા ખોરવાઈ, 6000 મુસાફરો અટવાયા

22 July, 2021 03:33 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે કોંકણ રેલવે પર ટ્રેન સેવા ખોરવાઈ હતી. જેમાં 6000 હજાર જેટલા મુસાફરો અટવાયા છે.

કોંકણ રેલવે ટ્રેક

મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતા.  ભારે પૂરને લીધે કોંકણ રેલવે માર્ગ પર ટ્રેન સેવાઓ ખોરવાઈ હોવાથી 6000 મુસાફરો અટવાયા છે. અત્યાર સુધી નવ ગાડીઓનું નિયમન કરવામાં આવ્યું છે. નિયમનનો અર્થ એ છે કે ટ્રેનો કાં તો સામાન્ય રીતે ચલાવવામાં આવી છે અથવા ટૂંકી સમાપ્ત અથવા રદ કરવામાં આવી છે.

કોંકણ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટ્રેનો વિવિધ સ્ટેશનો પર સલામત સ્થળોએ છે અને તેમાં સવાર મુસાફરો પણ સલામત છે અને તેમને ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રેલવેના અધિકારીના જણાવ્યા અનુસાર રત્નાગિરિના ચિપલુન અને કામથે સ્ટેશનો વચ્ચે વશિષ્ઠ નદીની પાણીનું સ્તર ભારે વરસાદ પછી જોખમના ચિન્હ ઉપર પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે, આ વિભાગની ટ્રેન સેવાઓ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અસ્થાયી ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. 

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર કોંકણ રેલવે રૂટ પરના વિવિધ સ્ટેશનો પર નિયમન કરાયેલ ટ્રેનોમાં 5,500-6,000 મુસાફરો અટવાયા હતા. કોંકણ રેલવેએ માહિતી આપી હતી કે ચિપલૂનમાં પૂરની પરિસ્થિતિને કારણે અત્યાર સુધીમાં નવ લાંબા અંતરની ટ્રેનોને નિયંત્રિત કરવામાં આવી છે. તેમાંથી દાદર-સાવંતવાડી સ્પેશિયલ ટ્રેનને ચિપલૂન સ્ટેશન અને સીએસએમટી-મડગાંવ જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનને ખેડ સ્ટેશન પર નિયમન કરવામાં આવી છે.

કોંકણ રેલવેના પ્રવક્તા ગિરીશ કરંદીકરે કહ્યું કે આ ટ્રેનોમાં સવાર મુસાફરો સુરક્ષિત છે. પડકારો હોવા છતાં કોંકણ રેલવે ફસાયેલા મુસાફરોને ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી રહી છે. કરંદીકરે કહ્યું કે, અમે ફસાયેલા તમામ મુસાફરોને ચા, નાસ્તો અને પાણી આપવાની વ્યવસ્થા કરી છે. 

છેલ્લા કેટલાક દિવસોમાં કોંકણ રેલવ માર્ગ પર આ બીજી વાર આવુ થયુંછે. પણજી નજીક જુના ગોવા ટનલમાં પાણી ભરાઈ જવાને કારણે 19 જુલાઈના રોજ રૂટ પરની ટ્રેન સેવાઓ એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

કોંકણ રેલવે પાસે મુંબઇ નજીક રોહાથી મેંગલુરુ નજીક થોકુર સુધી 756 કિલોમીટર લાંબી ટ્રેક છે. આ માર્ગ ત્રણ રાજ્યો- મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં ફેલાયેલો છે. તે એક પડકારરૂપ માર્ગ છે કારણ કે તેમાં ઘણી નદીઓ, ખીણો અને પર્વતો છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કસારા ઘાટ વિભાગમાં અને મુંબઇને અડીને આવેલા પૂના જિલ્લામાં લોનાવાલા પહાડી શહેર નજીક સેન્ટ્રલ રેલ્વે ટ્રેન સેવા પણ ગુરુવારે ભારે વરસાદના કારણે પૂરને લીધે અસરગ્રસ્ત થઈ હતી. આ વિસ્તારમાં ટ્રેક ધોવાઈ ગયા હતા અને બોલ્ડર અકસ્માત થયા હતાં. 

national news konkan maharashtra mumbai rains central railway