ગુડ ન્યુઝ : 1લી જુલાઈથી રોમિંગ ચાર્જિસ ઘટશે

18 June, 2013 03:34 AM IST  | 

ગુડ ન્યુઝ : 1લી જુલાઈથી રોમિંગ ચાર્જિસ ઘટશે



ટ્રાઇ દ્વારા થયેલી આ જાહેરાતને પગલે કેટલાક સર્વિસ-પ્રોવાઇડર દ્વારા કેટલીક શરતો સાથે રોમિંગની સુવિધાઓ ફ્રી ઑફર કરવામાં આવી રહી છે. ટ્રાઇ દ્વારા કહેવામાં આવ્યું છે કે એણે નૅશનલ રોમિંગ કૉલ્સ અને SMSના દરોમાં ઘટાડો કર્યો છે જેને કારણે સર્વિસ-પ્રોવાઇડરોને તેમના ગ્રાહકોને સ્પેશ્યલ ટૅરિફ વાઉચર્સ અને કૉમ્બો વાઉચર્સ હેઠળ રોમિંગની કસ્ટમાઇઝ્ડ સર્વિસ આપવામાં સરળતા રહેશે. ટ્રાઇનું કહેવું છે કે ગ્રાહકોમાં અને મોબાઇલના વપરાશમાં વધારો થવાને કારણે રોમિંગ ચાર્જિસ ઓછા કરવાનું શક્ય બન્યું છે, પણ એ ટોટલ ફ્રી કરવું શક્ય નથી. જો સર્વિસ-પ્રોવાઇડર એ સર્વિસ ફ્રી આપવા માગતો હોય તો એણે રોમિંગના એ ચાર્જિસ બધા જ ગ્રાહકોમાં (જે રોમિંગ ન કરતા હોય તેમને પણ) સરખા ભાગે વહેંચી દઈને એ સર્વિસ આપી શકે, પણ એ માટે એણે એના કૉલ-ચાર્જિસમાં વધારો કરવો પડે.

ટ્રાઇ દ્વારા ૨૦૦૭માં ૧.૪૦ રૂપિયા લોકલ આઉટગોઇંગ કૉલ પર ચાર્જ કરવામાં આવતા હતા અને STD નૅશનલ રોમિંગ માટે ૨.૪૦ રૂપિયા પ્રતિ મિનિટ ચાર્જ થતા હતા. આ દર પાછળથી ઘટાડીને એક રૂપિયો અને દોઢ રૂપિયો પ્રતિ મિનિટ કરવામાં આવ્યા હતા. એ જ રીતે નૅશનલ રોમિંગ દરમ્યાન ઇનકમિંગ કૉલ માટે જે પહેલાં પોણાબે રૂપિયા પ્રતિ મિનિટ ચાર્જ કરવામાં આવતા હતા એ ઘટાડીને ૭૫ પૈસા કરવામાં આવ્યા છે. હવે આઉટગોઇંગ SMS માટે એક રૂપિયો અને STD SMS માટે દોઢ રૂપિયો ચાર્જ કરવામાં આવશે. જોકે ઇનકમિંગ SMS માટે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.