16 May, 2025 11:34 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
લખનઉના કિસાનપથ પાસે બિહારથી દિલ્હી જઈ રહેલી સ્લીપર બસમાં અચાનક આગ ફાટી નીકળી
ગઈ કાલે સવારે પાંચ વાગ્યે લખનઉના કિસાનપથ પાસે બિહારથી દિલ્હી જઈ રહેલી સ્લીપર બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બસમાં ક્ષમતા કરતાં બમણા મુસાફરો ભર્યા હતા અને આગ લાગતાં જ એનો ડ્રાઇવર અને કન્ડક્ટર સૂતેલા મુસાફરોને જગાડવાની પરવા કર્યા વિના જ કાચ તોડીને ભાગી નીકળ્યા હતા. બસના આગળના ભાગમાં જ આગ લાગી હોવાથી જ્યારે અંદર બેઠેલા મુસાફરોને આગની ખબર પડી ત્યાં સુધીમાં મેઇન ડોર ફિટ થઈ ચૂક્યો હતો. પાછળ બેઠેલા મુસાફરોએ સળિયાની મદદથી કાચ તોડીને બારીઓમાંથી કૂદકો મારીને જીવ બચાવ્યો હતો. જોકે આગળની સીટ પર બેઠેલા પાંચ જણ આગની ચપેટમાં આવી ગયા હતા. આગનો ધુમાડો એટલો હતો ફાયર-બ્રિગેડ આવી એ પછી પણ તેમને એ ઓલવતાં દોઢ કલાક લાગ્યો હતો.
રામ બાલક મહતો નામના ભાઈ પ્રેગ્નન્ટ પત્નીને તો બચાવી શક્યા, પરંતુ તેમની નજર સામે ચાર વર્ષના દીકરા અને બે વર્ષની દીકરીને આગમાં સળગતાં જોયાં હતાં. બીજી તરફ અશોક મહતો નામના સિનિયર સિટિઝને પત્ની અને દીકરીને આગમાં ગુમાવ્યાં હતાં. ૧૯ વર્ષનો એક યુવક પણ આગમાં સળગી ગયો હતો.
હાદસામાં બચી ગયેલા લોકોનું કહેવું હતું કે ‘કૅપેસિટી કરતાં બમણી માત્રામાં મુસાફરો ભર્યા હોવાથી બધાને બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું હતું. આગ લાગતાં જ ડ્રાઇવર અને કન્ડક્ટર ભાગી જતાં તેમને બહારથી મદદ મળી શકી નહોતી.’
પોલીસની શરૂઆતની તપાસમાં ખબર પડી છે કે શૉર્ટ સર્કિટને કારણે ચાલતી બસમાં આગ લાગી હતી અને ઇમર્જન્સી ગેટ પાસે વધારાની સીટ બનાવી દીધી હોવાથી પાછળ બેઠેલા લોકો પણ ફસાઈ ગયા હતા.