૩૯ દિવસની અમરનાથયાત્રામાં ૧૩૦ મોત

03 August, 2012 02:43 AM IST  | 

૩૯ દિવસની અમરનાથયાત્રામાં ૧૩૦ મોત

ગઈ કાલે ૧૦૦થી વધુ સાધુઓ છડી મુબારક લઈને ૩૮૮૦ મીટરની ઊંચાઈએ આવેલી પવિત્ર ગુફામાં પહોંચ્યા હતા. ૨૫ જૂનથી શરૂ થયેલી આ યાત્રા કુલ ૩૯ દિવસ ચાલી હતી. આ વર્ષની યાત્રા દરમ્યાન ૧૩૦ યાત્રાળુઓનાં મોત થયાં હતાં. એમાં ૮૮ યાત્રાળુઓ કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૪૨ યાત્રાળુઓનાં રોડ-ઍક્સિડન્ટમાં મોત થયાં હતાં. કુદરતી કારણોસર મૃત્યુપામેલા યાત્રાળુઓમાં મોટા ભાગનાઓનાં હાર્ટ-અટૅકને કારણે મોત થયાં હતાં.

 

આ વર્ષની યાત્રામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓનાં મોતને પગલે સુપ્રીમ ર્કોટે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર તથા રાજ્ય સરકારને તબીબી સારવારની સુવિધા વધારવાનો આદેશ આપ્યો હતો. ગઈ કાલે અમરનાથ ર્બોડના ચૅરમૅન અને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ એન. એન. વોરાએ પવિત્ર ગુફામાં પૂજાવિધિ કરી હતી તથા રાજ્યમાં સુખશાંતિ જળવાઈ રહે એ માટે પ્રાર્થના કરી હતી. રાજ્યપાલે યાત્રા દરમ્યાન મૃત્યુ પામેલા યાત્રાળુઓના આત્માને શાંતિ મળે એ માટે પણ પ્રાર્થના કરી હતી.