કૉન્ગ્રેસનાં બૅન્ક અકાઉન્ટ‍્સને ફ્રીઝ અને ડીફ્રીઝનો ડ્રામા

17 February, 2024 12:51 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઑર્ડર વિરુદ્ધ ટ્રિબ્યુનલ સમક્ષ ઉપસ્થિત થયેલા વિવેક તાન્ખાએ જણાવ્યું હતું કે હવે બૅન્ક અકાઉન્ટ્સ ઑપરેટ કરવા મંજૂરી આપવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

ઇન્કમ ટૅક્સના મસમોટા પગલાના દાવા બાદ કૉન્ગ્રેસનાં બૅન્ક અકાઉન્ટ્સ સ્થગિત કરવામાં આવ્યાં એ બાબતે કૉન્ગ્રેસના ટોચના નેતાઓએ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. કૉન્ગ્રેસના ખજાનચી અજય માકને આ પહેલાં જણાવ્યું હતું કે ઇન્કમ ટૅક્સના અધિકારીઓએ કૉન્ગ્રેસના મેઇન બૅન્ક અકાઉન્ટ્સ સ્થગિત કર્યાં હતાં, એથી પક્ષની તમામ રાજકીય પ્રવૃ​ત્તિ પર અસર થઈ હતી. કૉન્ગ્રેસના નેતા ​વિવેક તાન્ખાએ શુક્રવારે જણાવ્યું હતું કે પક્ષે અપીલ નોંધાવ્યા બાદ ઇન્કમ ટૅક્સ અપેલેટ ટ્રિબ્યુનલે પક્ષના બૅન્ક અકાઉન્ટ સ્થગિત કર્યાં હતાં. આ બાબતે આખરી નિર્ણય લેતાં પૂર્વે ટ્રિબ્યુનલ આગામી બુધવારે સુનાવણી હાથ ધરશે. ઇન્કમ ટૅક્સ અધિકારીઓ દ્વારા પક્ષનાં મેઇન અકાઉન્ટ સ્થગિત કરવામાં આવ્યાં છે અને તમામ રાજકીય પ્રવૃત્તિને અસર થઈ છે, એમ કૉન્ગ્રેસે જણાવ્યા બાદ આ સ્પષ્ટતા આવી હતી.

ઑર્ડર વિરુદ્ધ ટ્રિબ્યુનલ સમક્ષ ઉપસ્થિત થયેલા વિવેક તાન્ખાએ જણાવ્યું હતું કે હવે બૅન્ક અકાઉન્ટ્સ ઑપરેટ કરવા મંજૂરી આપવામાં આવી છે. વિવેક તાન્ખાએ ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે બૅન્ક અકાઉન્ટ્સ સ્થગિત રહેશે તો કૉન્ગ્રેસ ચૂંટણીના તહેવારમાં ભાગ નહીં લઈ શકે. મામૂલી કારણસર કૉન્ગ્રેસનાં બૅન્ક અકાઉન્ટ  સ્થગિત કરવામાં આવ્યાં છે અને આથી સામાન્ય ચૂંટણીની જાહેરાત પૂર્વે માત્ર બે સપ્તાહમાં પક્ષની તમામ રાજકીય પ્રવૃત્તિને અસર થઈ છે, એમ અજય માકને જણાવ્યા બાદ વિવેક તાન્ખાનું નિવેદન આવ્યું હતું.

national news india delhi narendra modi congress