જેવા સાથે તેવા? દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનની બહારનાં બૅરિકેડ્સ હટાવાયાં

23 March, 2023 11:26 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એના પછી તરત જ લંડનમાં ઇન્ડિયન મિશન ખાતે વધુ પોલીસ તહેનાત કરાઈ અને વધુ બૅરિકેડ્સ મૂકવામાં આવ્યાં

નવી દિલ્હીમાં યુકે હાઈ કમિશનની ઑફિસની બહારથી ગઈ કાલે બૅરિકેડ્સ હટાવવામાં આવ્યાં હતાં.

દિલ્હીમાં યુકે હાઈ કમિશનની ઑફિસની બહારનાં બૅરિકેડ્સને ગઈ કાલે પોલીસે હટાવ્યાં હતાં. લંડનમાં ઇન્ડિયન હાઈ કમિશનની ઑફિસની બહાર ખાલિસ્તાનીઓના વિરોધ-પ્રદર્શન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે યુકે હાઈ કમિશનની બહાર સુરક્ષા યથાવત્ રહેશે. 

લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ અમ્રિતપાલ સિંહની વિરુદ્ધ કાર્યવાહીના વિરોધમાં હાઈ કમિશનની ઑફિસની બહાર ભારતીય ત્રિરંગો ઉતાર્યો હતો. 

ભારત સરકારે આ ઘટનાની સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને બ્રિટિશ ઑથોરિટીઝને ઇન્ડિયન હાઈ કમિશનની પૂરતી સુરક્ષા કરવા માટે જણાવ્યું હતું. રવિવારે રાત્રે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનરને ભારતે સમન્સ આપ્યા હતા અને લંડનમાં ઇન્ડિયન મિશન ખાતે ‘સુરક્ષાના અભાવ’ને લઈને ખુલાસો માગવામાં આવ્યો હતો. 

હવે ગઈ કાલે વિરોધ-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એના પહેલાં લંડનમાં ઇન્ડિયન હાઈ કમિશનની બહાર વધુ પોલીસને તહેનાત કરવામાં આવી હતી અને વધુ બૅરિકેડ્સ મૂકવામાં આવ્યાં હતાં. 

ભારતે બ્રિટિશ હાઈ કમિશનની ઑફિસની બહારથી ટ્રાફિક બૅરિકેડ્સ હટાવ્યા બાદ તરત જ આ પગલું લેવામાં આવ્યું છે. ભારતે બૅરિકેડ્સ હટાવીને લંડનમાં સુરક્ષા ભંગની સ્થિતિ સામે એની નારાજગી વ્યક્ત કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.  

મધ્ય લંડનમાં ઇન્ડિયા પૅલેસ તરીકે જાણીતા બિલ્ડિંગની બહાર પોલીસ ઑફિસર્સ, લાયસન ઑફિસર્સ અને પૅટ્રોલિંગ ઑફિસર્સ ડ્યુટી બજાવતા જોવા મળ્યા હતા, જ્યાં રવિવારની ઘટના બાદ બે બારીની વચ્ચે વિશાળ ભારતીય ​ત્રિરંગો હજી છે. 

લંડનમાં ઇન્ડિયન હાઈ કમિશનની ઑફિસની બહાર ખાલિસ્તાની સપોર્ટર્સે ગઈ કાલે ફરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, આ વખતે ઇન્ડિયન હાઈ કમિશનની ઑફિસથી આ સપોર્ટર્સને દૂર રાખવા માટે પોલીસ હતી.

national news new delhi united kingdom punjab