ટિકટૉકની બ્લૅકઆઉટ ચૅલેન્જને કારણે ૧૮ મહિનામાં ૨૦ બાળકનાં મોત

03 December, 2022 09:11 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ ચૅલેન્જ આમ તો નવી નથી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટિકટૉક પર વાઇરલ ‘બ્લૅકઆઉટ ચૅલેન્જ’ને છેલ્લા ૧૮ મહિનામાં ૧૪ વર્ષ કે એનાથી ઓછી ઉંમરનાં ઓછાંમાં ઓછાં ૨૦ બાળકોનાં મોત માટે જવાબદાર ગણાવવામાં આવી છે. આ ચૅલેન્જમાં શક્ય હોય ત્યાં સુધી અને વિડિયો રેકૉર્ડ કરી શકાય ત્યાં સુધી પોતાનો શ્વાસ રોકી રાખવાનો હોય છે. એ પછી તેમણે સામાન્ય સ્થિતિમાં આવી રહ્યાનો વિડિયો રેકૉર્ડ કરવાનો હોય છે. એક રોમાંચ માટે બાળકો આ ચૅલેન્જને સ્વીકારે છે.

આ ચૅલેન્જ આમ તો નવી નથી. આ પહેલાં ૧૯૯૦ના દશકમાં પોતાની જાતે શ્વાસ રૂંધવાની ચૅલેન્જ ન્યુઝમાં હતી. નોંધપાત્ર છે કે ૧૯૯૫થી ૨૦૦૭ દરમ્યાન ૬થી ૧૯ વર્ષનાં ૮૨ બાળકો અને કિશોરોનાં આ ચૅલેન્જના કારણે મોત નીપજ્યાં હતાં.

આ વર્ષે જુલાઈમાં બહાર આવ્યું હતું કે આ બ્લૅકઆઉટ ચૅલેન્જના કારણે ઓછાંમાં ઓછાં સાત બાળકોનાં મોતના સંબંધમાં ટિકટૉકની વિરુદ્ધ અનેક કેસિસ કરવામાં આવ્યા છે.

અમેરિકામાં ટિકટૉક પર એક-તૃતીયાંશ યુઝર્સની ઉંમર ૨૦ વર્ષ કરતાં ઓછી હોવાનું એક રિપોર્ટમાં બહાર આવ્યું હતું. બાળકો સોશ્યલ મીડિયા પર પોતાની ઉંમર ખોટી બતાવીને અકાઉન્ટ ઓપન કરાવે છે. 

આ ઘાતક ચૅલેન્જ શું છે?

આ ચૅલેન્જ સ્વીકારનારી વ્યક્તિ બેલ્ટ જેવી વસ્તુઓથી પોતાનું ગળું દબાવીને પોતાનો શ્વાસ રૂંધે છે. એ પછી તેઓ સામાન્ય સ્થિતિમાં ધીરે-ધીરે આવે છે એના વિડિયોને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર પોસ્ટ કરાય છે. આ વિડિયોઝને જોઈને અન્ય બાળકો પણ આ ચૅલેન્જને સ્વીકારવા માટે લલચાય છે.

tiktok national news