ઉત્તરાખંડના CMના અંગત મોબાઇલ પર હર કી પૌડી બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી

12 November, 2019 01:40 PM IST  |  Uttarakhand

ઉત્તરાખંડના CMના અંગત મોબાઇલ પર હર કી પૌડી બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન

(જી.એન.એસ.) ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનના અંગત મોબાઇલ નંબર પર કોઈ માથાફરેલ શખ્સે હરિદ્વારસ્થિત ‘હર કી પૌડી’ ઉડાડી દેવાની ધમકી આપી છે. આ સૂચનાથી પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને દેહરાદૂનથી લઈને હરિદ્વાર સુધી તપાસ હાથ ધરી છે. મુખ્ય પ્રધાનના અંગત ફોન નંબર પર ફોન આવવાથી ઉચ્ચ અધિકારીઓ પણ હેરાન છે. જ્યારે આ ફોન આવ્યો ત્યારે મુખ્ય પ્રધાનનો અંગત ફોન તેના પ્રોટોકોલ અધિકારી પાસે હતો.

પોલીસ પણ હેરાન છે કે મુખ્ય પ્રધાનનો અંગત નંબર કેવી રીતે મળ્યો હશે. મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પોલીસનું કહેવું છે કે આ કોઈ માથાફરેલ વ્યક્તિની કરતૂત છે. જોકે મુખ્ય પ્રધાનનો અંગત નંબર તેને કઈ રીતે મળ્યો હશે એને લઈને પણ અધિકારીઓ પરેશાન છે. મુખ્ય પ્રધાનના પ્રોટોકોલ અધિકારી આનંદ સિંહ રાવતે આ મામલે ફરિયાદ નોંધાવી છે. ધમકી બાદ ‘હર કી પૌડી’માં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પોલીસ મુજબ શનિવારે સાંજે મુખ્ય પ્રધાનના ફોન પર એક કૉલ આવ્યો જેને તેના પ્રોટોકોલ અધિકારી આનંદ સિંહ રાવતે રિસિવ કર્યો. સામે છેડેથી વાત કરનારા શખ્સે હરિદ્વારસ્થિત ‘હર કી પૌડી’ ઉડાડી દેવાની ધમકી આપીને ફોન કાપી નાખ્યો. અધિકારીએ જણાવ્યું કે પોલીસની ટીમ માહિતી એકત્ર કરી રહી છે. આરોપીની શોધખોળ ચાલી રહી છે. તેને જલદી જ ઝડપી લેવામાં આવશે. ‘હર કી પૌડી’ પર બૉમ્બ સ્ક્વૉર્ડ અને ડોગ સ્ક્વૉર્ડથી તપાસ ચાલી રહી છે.

national news