કેરળમાં કોરોના વાઇરસના ચેપના વધુ છ કેસ નોંધાયા

11 March, 2020 11:22 AM IST  |  Thiruvananthapuram

કેરળમાં કોરોના વાઇરસના ચેપના વધુ છ કેસ નોંધાયા

સોમવારે અટ્ટુકલ પોન્ગલ નામના તહેવારની ઉજવણી દરમ્યાન માસ્ક પહેરીને પૂજા કરતી મહિલા. તસવીર : પી.ટી.આઇ

કેરળમાં કોરોના વાઇરસના છ વધુ કન્ફર્મ્ડ કેસ નોંધાતાં એ રોગચાળાના દરદીઓની સંખ્યા ૧૨ પર પહોંચી હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું. રાજ્ય સરકારે કોરોના રોગચાળાનો પ્રસાર રોકવા માટે માર્ચ મહિનાના અંત સુધી શિક્ષણ સંસ્થાઓ અને સિનેમાગૃહો બંધ રાખવા સહિત અનેક નિયંત્રણો જાહેર કર્યાં છે. દેશભરમાં કોરાના વાઇરસના દર્દીઓની સંખ્યા વધીને ૪૯ થઈ છે.

કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને કોરોના રોગચાળા વિષયક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘૧૧૧૬ લોકો નિગરાણી હેઠળ છે. એમાં ૧૪૯ દરદીઓ વિવિધ હૉસ્પિટલોના આઇસોલેશન વૉર્ડમાં છે અને ૯૬૭ હોમ ક્વૉરેન્ટેઇનમાં છે. ૩૧ માર્ચ સુધી ૧થી ૭ ધોરણ સુધીની સ્કૂલો, આઇસીએસઈ અને સીબીએસઈની સ્કૂલો, મદરસા, આંગનવાડીઓ, ટ્યુશન ક્લાસ‌િસ અને કૉલેજો તેમ જ સિનામાગૃહો બંધ રહેશે. પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવશે. મંદિરો અને ચર્ચોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય એવા તહેવારો યોજવાનું ટાળવાની સૂચના આપવામાં આવી છે. નાટકોનાં થિયેટર્સ અને કલા-સંસ્કૃતિના મહોત્સવોનાં આયોજનો ટાળવાની સૂચનાઓ આપવામાં આવી છે.’

તાજેતરના કન્ફર્મ્ડ કેસિસમાં પથનામથિટ્ટા જિલ્લાના ગામમાં ઇટલીથી આવેલું દંપતી અને તેમનાં સગાં અને મિત્રો તથા તેમના પુત્રનો સમાવેશ છે. છ પૉઝિટિવ કેસમાં દંપતીનાં વયોવૃદ્ધ માતા-પિતાનો સમાવેશ છે. તેમના ટેસ્ટના રિપોર્ટ શનિવારે પૉઝિટિવ મળ્યા હતા. એ ૧૧ કેસ ઉપરાંત કોચીમાં ઇટલીથી માતા-પિતાની સાથે આવેલા ત્રણ વર્ષના છોકરાની ટેસ્ટનો રિપોર્ટ સોમવારે પૉઝિટિવ મળ્યો છે.’

kerala thiruvananthapuram coronavirus national news