કોઝીકોડ ઍરપૉર્ટ માટેની વૉર્નિંગ કેમ કાને ન ધરાઈ?

09 August, 2020 11:51 AM IST  |  Thiruvananthapuram | Agencies

કોઝીકોડ ઍરપૉર્ટ માટેની વૉર્નિંગ કેમ કાને ન ધરાઈ?

ઍર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન શુક્રવારે રાત્રે કોઝીકોડ ઍરપોર્ટ પર લૅન્ડિંગ વખતે વિઝિબિલિટીના કારણે ક્રૅશ થઈ ગયું હતું અને એના બે ટુકડા થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં પ્લેનના પાઇલટ અને કો-પાઇલટ સહિત ૨૧ લોકોનાં મોત થયાં હોવાનું જણાયું હતું. ૧૨૭ લોકોને નાની-મોટી ઈજા પહોંચતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહત અને બચાવકામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને વિમાનનું બ્લૅક બૉક્સ મળી આવ્યું છે, જેને પગલે વિમાનમાં છેલ્લી ઘડીએ શું બન્યું એની વિગતો જાણી શકાશે. ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશનને આ સમગ્ર ઘટનામાં તપાસના આદેશ આપી દીધા છે અને બ્લૅક બૉક્સની વિગતો જાણ્યા બાદ તથ્યો બહાર આવી શકે છે.

એવિયેશન રેગ્યુલેટરી ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)એ પહેલાંથી જ કોઝીકોડ ઍરપોર્ટ પર રન-વેને લઈ ચેતવણી આપી હતી કે ત્યાં કોઈ પણ સમયે અકસ્માત થઈ શકે છે. તાજેતરમાં ડીજીસીએએ પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા કે રન-વે પર એવી સ્થિતિ છે કે જો પાણી ભરાઈ જાય તો રબર ક્યાંક જામ થઈ શકે છે, જે અકસ્માતનું કારણ બની શકે છે.

વર્ષ ૨૦૧૯માં, ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશને કાલિકટ ઍરપોર્ટ વિશે ઍરપોર્ટ ઑથોરિટીને નોટિસ આપી હતી. તો ઍરપોર્ટ ઑથોરિટીનાં સૂત્રોએ જણાવ્યું કે ડીજીસીએ દ્વારા તમામ પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને અમે તમામ મુદ્દાઓને ઉકેલીશું.

ઉડ્ડયનપ્રધાન હરદીપ સિંહ પૂરી કોઝીકોડ પહોંચ્યા. તેમણે મૃતકોના પરિવારને ૧૦-૧૦ લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને બે-બે લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. જે લોકોને સામાન્ય ઈજા પહોંચી છે તેમને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવામાં આવશે.

મમ્મીને બર્થ-ડેએ સરપ્રાઇઝ વિઝિટનો સાઠેનો પ્લાન હતો

શુક્રવારે કેરલાના વિમાન મથકે અકસ્માતમાં મૃત્યુ પામેલા પાઇલટ કૅપ્ટન દીપક સાઠે ગઈકાલે નાગપુરમાં એમનાં મમ્મીના જન્મ દિવસે સરપ્રાઇઝ વિઝિટ કરવા ઇચ્છતા હતા. ૫૮ વર્ષના દિપક સાઠે એમનાં મમ્મીના ૮૪મા જન્મ દિવસની ઉજવણીમાં હાજરી આપવા ઉત્સુક હતા. દીપક સાઠેના ભત્રીજા ડૉ.યશોધન સાઠેએ જણાવ્યું હતું કે ‘ગઈકાલે જ દીપકનાં મમ્મીનો ૮૪મો જન્મ દિન હતો. અમે બે દિવસ પહેલાં વાત કરી ત્યારે કૅપ્ટન દીપકે કહ્યું હતું કે ફ્લાઇટ્સ ઉપલબ્ધ હોવાથી હું મમ્મીના જન્મ દિને સરપ્રાઇઝ વિઝિટ કરીશ.’

દીપકનાં મમ્મી નીલા સાઠે એમના પતિ રીટાયર્ડ કર્નલ વસંત સાઠે જોડે નાગપુરના ભારત નગર વિસ્તારમાં રહે છે. નીલા સાઠેએ જણાવ્યું હતું કે ‘રોગચાળામાં બહાર નહીં નીકળવાની દીપકે મને કડક સૂચના આપી હતી. મને કઈં થાય તો એને ખૂબ દુઃખ થશે એવું દીપક વારંવાર કહેતો હતો. પરંતુ અચાનક વજ્રાઘાત સમાન ઘટના બની. ઇશ્વરની ઇચ્છા સામે આપણું શું ચાલે ? 

ટેબલ ટૉપ એરપોર્ટ્સ સામે લાલ બત્તી ધરાઈ હતી

કેરળના કોઝીકોડમાં શુક્રવારે થયેલા વિમાન-અકસ્માતમાં વીરગતિ પામેલા પાઇલટ કૅપ્ટન દીપક સાઠેના પરિવારે દેશમાં ટેબલ ટૉપ ઍરપોર્ટ્સનાં જોખમો તરફ લાલ બત્તી ધરી હોવાનું મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું. અનિલ દેશમુખે ગઈ કાલે નાગપુરમાં કૅપ્ટન સાઠેના કુટુંબીજનોને મળ્યા બાદ જણાવ્યું હતું કે શુક્રવારની ઘટનાનાં કારણો અને તારણોને સમજીને આવા બનાવો ફરી ન બને એની તકેદારી મુલકી ઉડ્ડયન મંત્રાલયે રાખવી જરૂરી છે.

મેદાન કે ટેકરી પરના સપાટ ભૂમિક્ષેત્ર પર ટેબલ ટૉપ ઍરપોર્ટ્સ બને છે. અનિલ દેશમુખે જણાવ્યું હતું કે ‘સદ્ગત પાઇલટના પરિવારના એક સભ્યે કહ્યું હતું કે કૅપ્ટન સાઠે એટલા અનુભવી પાઇલટ હતા કે તેમણે પ્લેનના લૅન્ડિંગમાં ભૂલ કરી હોવાની શક્યતા જ નથી. ટેબલ ટૉપ ઍરપોર્ટ્સ પર આવી દુર્ઘટના બનતી ટાળવાની તકેદારી રાખવા વિશે સરકારે વિચારણા કરવી જોઈએ.’

thiruvananthapuram national news kerala