આવતી કાલથી દેશભરમાં રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત

28 February, 2021 11:27 AM IST  |  Newv Delhi | Gujarati Mid-day Correspondent

આવતી કાલથી દેશભરમાં રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ સામે લડવા માટે વૅક્સિનેશનના પહેલી માર્ચથી શરૂ થતા ત્રીજા તબક્કામાં પ્રાઇવેટ હૉસ્પિટલોમાં પ્રાયોરિટી ગ્રુપ માટે ઉપલબ્ધ કરાયેલી કોવિડ વૅક્સિનના બે ડોઝની કિંમત ૫૦૦ રૂપિયા રાખવાની જાહેરાત હેલ્થ મિનિસ્ટ્રીએ કરી છે. આમ પ્રાઇવેટ હૉસ્પિટલમાં રસી લેનારે એક રસીના ૨૫૦ રૂપિયા ચૂકવવા પડશે, જેમાં સર્વિસ-ચાર્જનો પણ સમાવેશ થાય છે. હેલ્થ મિનિસ્ટ્રીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ૬૦થી વધુ વયના તેમ જ ગંભીર બીમારી ધરાવતા ૪૫થી વધુ વયના લોકો માટે પ્રાઇવેટ હૉસ્પિટલોમાં રસીના એક ડોઝની કિંમત ૨૫૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. સરકારે એક સપ્તાહ પહેલાં જ ઘોષણા કરી હતી કે કુલ ૧૦,૦૦૦ સરકારી તેમ જ ૨૦,૦૦૦ પ્રાઇવેટ હૉસ્પિટલોમાં રસી મૂકવાની સુવિધા શરૂ કરવામાં આવશે. યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ શુક્રવારે કહ્યું હતું કે રસી મુકાવનારાએ કોવિન ૨.૦ અૅપમાં રજિસ્ટર કરાવવું પડશે. જેમાં કયા સેન્ટરમાં ક્યારે રસી મુકાવવાની તારીખ અને સમય આપવામાં આવશે. લોકો જાતે જ રસીકરણ કેન્દ્રમાં જઈને નામ નોંધણી કરાવી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પહેલી માર્ચથી નોંધણીની પ્રક્રિયા શરૂ થશે. ૪૫થી ૫૯ વર્ષના લોકોએ પોતાની બીમારી અંગેનું સર્ટિફિકેટ ડૉક્ટર પાસે લખાવીને લઈ જવું પડશે.

નીતિ આયોગના આરોગ્ય વિભાગના સભ્ય ડૉક્ટર વી. કે, પૉલ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા તથા ભારત બાયોટેકના અધિકારીઓ વચ્ચે લગભગ પાંચ કલાક ચાલેલી મીટિંગમાં વૅક્સિનનો ભાવ ઠરાવાયો હતો. રસીના એન્ડ યુઝરે આ કિંમત ચૂકવાની રહેશે, જેમાં ખાનગી સુવિધાઓ દ્વારા લાભાર્થીઓ પાસેથી લેવાતા સર્વિસ-ચાર્જ પણ સામેલ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

coronavirus covid19 national news