૧૨૫ ફૂટ લાંબી ટનલ ખોદી બૅન્કનાં ૭૭ લૉકર્સમાંથી ચોર કરોડોની મતા ઉઠાવી ગયા

29 October, 2014 05:42 AM IST  | 

૧૨૫ ફૂટ લાંબી ટનલ ખોદી બૅન્કનાં ૭૭ લૉકર્સમાંથી ચોર કરોડોની મતા ઉઠાવી ગયા




કેટલાક તસ્કરો ફિલ્મી સ્ટાઇલથી સવાસો ફૂટ લાંબું ભોંયરું ખોદીને હરિયાણાના સોનેપત જિલ્લાના ગોહાના તાલુકામાંની એક બૅન્કનાં ૭૭ લૉકર્સ તોડીને કરોડો રૂપિયાની રોકડ, ઝવેરાત તથા અન્ય મૂલ્યવાન વસ્તુઓ ચોરી ગયા હતા.

PNBની ગોહાના બ્રાન્ચમાંથી કેટલા મૂલ્યની સામગ્રીની ચોરી થઈ છે એનો અંદાજ પોલીસ અને બૅન્કના અધિકારીઓએ હજી સુધી આપ્યો નથી. બૅન્કના બ્રાન્ચ-મૅનેજર દેવેન્દ્ર મલિકે સોમવારે બૅન્ક ખોલી ત્યારે આ ચોરીની જાણ થઈ હતી. શનિ તથા રવિવાર વચ્ચેની રાત્રે આ ચોરી કરવામાં આવી હોવાની પોલીસને શંકા છે.

નજીકના ખાલી મકાનમાંથી જૂના બસ-સ્ટૅન્ડસ્થિત બૅન્કની શાખા સુધીની ૧૨૫ ફૂટ લાંબી અને અઢી ફૂટ પહોળી ટનલ ખોદવામાં આવી હતી. રસોડાની ચીમનીમાંથી મકાનમાં ઘૂસેલા તસ્કરોએ આ ટનલ બનાવી હતી. ખાલી મકાન અને બૅન્કની શાખા આવેલી છે એ ઇમારત વચ્ચે ૧૫ ફૂટ પહોળી ગલી પણ છે. મકાન ચાર વર્ષથી ખાલી પડ્યું છે અને એના ચારેય ઓરડા તસ્કરોએ ભોંયરું ખોદતાં કાઢેલી માટીથી ભરાઈ ગયા હતા. 

સોનેપતના પોલીસ-ચીફના જણાવ્યા અનુસાર રેસિડેન્શિયલ-કમ-કમર્શિયલ વિસ્તારમાં આવેલી બૅન્કમાંનાં કુલ ૩૫૦ લૉકર્સ પૈકીનાં ૭૭ને તસ્કરોએ સાફ કરી નાખ્યાં હતાં અને એમાંની તમામ સામગ્રી ઉઠાવી ગયા હતા. આસાનીથી તોડી શકાય એવાં લૉકર્સને તસ્કરોએ નિશાન બનાવ્યાં હતાં.

પોલીસ માને છે કે આ લૂંટમાં આઠથી દસ જણ સંડોવાયા હશે અને મશીનોની મદદ વડે પંદર દિવસમાં ટનલ ખોદવામાં આવી હશે. ખાલી મકાન વ્યસ્ત વિસ્તારમાં આવેલું હોવાથી ટ્રાફિકના અવાજને કારણે મશીન દ્વારા જમીન ખોદવાનો અવાજ કોઈને સંભળાયો નહીં હોય.