મોંઘવારી સામે આંદોલનમાં રાહુલ અને પ્રિયંકા સહિત કૉંગ્રેસના આ નેતાઓની અટક, જાણો વિગત

05 August, 2022 01:32 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કૉંગ્રેસ દ્વારા આજે કેન્દ્ર સરકાર સામે દેશવ્યાપી આંદોલનનું એલાન કરવામાં આવ્યું

તસવીર સૌજન્ય: પીટીઆઈ

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. મોંઘવારી અને બેરોજગારી સામે કૉંગ્રેસ આક્રમક બની છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશવ્યાપી આંદોલન શરૂ થયું છે. દેશભરમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કૉંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. કૉંગ્રેસના કાર્યકરો દિલ્હી, મુંબઈ, નાગપુર સહિત દેશભરમાં સૂત્રોચ્ચાર કરીને કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા છે.

આ સમયે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૉંગ્રેસની પદયાત્રા નીકળવાની હતી, પરંતુ દિલ્હી પોલીસે કૉંગ્રેસની કૂચ અટકાવી અને વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી. આ વખતે દિલ્હી પોલીસે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે. આ પછી કૉંગ્રેસના કાર્યકરો વધુ ઉગ્ર બન્યા હોવાનું જોવા મળ્યું હતું.

કૉંગ્રેસ દ્વારા આજે કેન્દ્ર સરકાર સામે દેશવ્યાપી આંદોલનનું એલાન કરવામાં આવ્યું હતું. આ પૃષ્ઠભૂમિમાં દિલ્હીની સાથે મુંબઈ અને નાગપુરમાં કૉંગ્રેસના કાર્યકરો આક્રમક બન્યા હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે મુંબઈ અને નાગપુરમાં પણ કૉંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કર્યું. મુંબઈમાં પણ પોલીસે કૉંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

પોલીસે નાના પટોલેની મુંબઈમાં અટક કરી હતી. આ ઉપરાંત પુણેમાં કૉંગ્રેસના નેતાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કાળા કપડા પહેરીને મોંઘવારી અને બેરોજગારીને લઈને કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો હતો. આ આંદોલનમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ભાગ લીધો છે. કૉંગ્રેસે મોંઘવારી અને બેરોજગારી મુદ્દે કેન્દ્રની સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે.

national news priyanka gandhi rahul gandhi congress