બીજેપીમાં ભંગાણના એંધાણ એટલે એમએલએ ગુજરાતમાં : ગેહલોત

10 August, 2020 09:57 AM IST  |  Jaipur | Agencies

બીજેપીમાં ભંગાણના એંધાણ એટલે એમએલએ ગુજરાતમાં : ગેહલોત

અશોક ગેહલોત

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ભારતીય જનતા પાર્ટી પર સરકારને અસ્થિર કરવાના પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે. ૪ દિવસ બાદ જેસલમેર પહોંચેલા સીએમ અશોક ગેહલોતે રવિવારે કહ્યું કે બીજેપીના ધારાસભ્યો વાડાબંધીમાં જઈ રહ્યા છે, તેમની હવે પોલ ખૂલી ગઈ છે. અશોક ગેહલોતે કહ્યું કે બીજેપી નેતાઓ અને અમારી પાર્ટી છોડી ચૂકેલા લોકોની વિરુદ્ધ દરેક ઘરમાં ગુસ્સો છે. મારું માનવું છે કે તેઓ પણ આને સમજે છે અને તેમાંથી મોટાભાગના અમારી પાસે આવી જશે. પત્રકારો સાથે વાતચીતમાં મુખ્ય પ્રધાન ગેહલોતે કહ્યું કે તમે વિચારી શકો છો કે સરકારમાં તો અમે લોકો છીએ, હોર્સ ટ્રેડિંગ થઈ રહી હતી. કેવી રીતે અમારા ધારાસભ્યોને એકસાથે રોકવા પડ્યા, પરંતુ બીજેપીના ધારાસભ્યોને કઈ વાતની ચિંતા છે? ત્રણ-ચાર જગ્યા પર તે લોકો વાડાબંધી કરી રહ્યા છે, તે પણ વીણીવીણીને. તેમનામાં ભંગાણ પડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. અશોક ગેહલોતે કહ્યું કે કૈલાશ મેઘવાલે પહેલા નિવેદન આપ્યું હતું. રાજસ્થાનમાં ક્યારેય આ પ્રકારની પરંપરા નથી રહી.

સૌને ખબર છે કે હું વારંવાર કહેતો રહ્યો છું. પહેલા પણ સરકાર પાડવાના બે-ત્રણ પ્રયત્ન થયા છે. પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના અધ્યક્ષ તરીકે ભૈરોસિંગ શેખાવત સાહેબના સમયમાં મેં વિરોધ કર્યો હતો. નરસિમ્હા રાવ પ્રાઇમ મિનિસ્ટર હતા, ત્યારે પણ વિરોધ કર્યો હતો. તે સમયે બલિરામ ભગત રાજસ્થાનમાં હતા. સીએમ અશોક ગેહલોતે કહ્યું કે રાજ્યપાલને જઈને હું મળ્યો. રાજસ્થાનમાં ષડયંત્ર કરીને સરકાર પાડવાની પરંપરા વિકસિત ના થવી જોઈએ. બીજેપીના જે સ્થાનિક નેતા મોટા-મોટા દાવા કરી રહ્યા હતા, પરંતુ આજે અને કાલમાં તેમની પોલ ખૂલી ગઈ છે. હવે બીજેપી નેતા ચાર્ટર્ડ પ્લેનથી પોતાના ધારાસભ્યોને બહાર મોકલી રહ્યા છે અને વાડાબંધી કરાવી રહ્યા છે. હું એ કહેવા ઇચ્છીશ કે આ પરંપરા જે નાખી રહ્યા છે, આ ડેમોક્રેસીની વિરુદ્ધ છે. અશોક ગેહલોતે કહ્યું અમારી લડાઈ સરકારને અસ્થિર કરવાના ષડયંત્રની વિરુદ્ધ છે.

તેમણે કહ્યું કે વિજય અમારો જ થશે, કેમકે પ્રદેશવાસી અમારી સાથે છે. આખા પ્રદેશના ઘર-ઘરમાં ચર્ચા છે કે બીજેપીએ આ તમાશો કેમ કર્યો? સરકાર સારું કામ કરી રહી હતી, કોરોનાને લઈને એક્સ્ટ્રા ઑર્ડિનરી કામ કર્યું, દેશ-દુનિયામાં પ્રશંસા થઈ રહી હતી રાજસ્થાનની. જ્યાં જીવ બચાવવાનો સંઘર્ષ હોય ત્યાં રાજનીતિ પાછળ થઈ જાય છે.

સોમનાથ પહોંચેલા રાજસ્થાન બીજેપીના ૬ ધારાસભ્ય ગાયબ?

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે બીજેપીઅે પોતાના ૬ ધારાસભ્યોને ગુજરાત ખસેડ્યા હતા, પણ સોમનાથ ખાતે આવેલા રાજસ્થાનના ૬ ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. રાત્રીના સોમનાથ મહાદેવના દર્શન બાદ આ તમામ ધારાસભ્યો સોમનાથથી ગાયબ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે તમામ ધારાસભ્યોએ સોમનાથ ટ્રસ્ટના સાગર દર્શન ગેસ્ટ હાઉસમાં રોકાણ કર્યું હતું. રાજસ્થાનના ધારાસભ્યો માટે જિલ્લા બીજેપી પ્રમુખ દ્વારા સાગર દર્શનમાં ૬ રૂમ પણ બુક કરવામાં આવ્યા હતા, જ્યારે રાત્રીના જિલ્લા બીજેપીના મહામંત્રી માનસિંગ પરમારે તમામ ધારાસભ્યોનું સ્વાગત પણ કર્યું હતું, પણ અચાનક રાત્રીના જ તમામ ધારાસભ્યો સાગર દર્શનમાં રોકાયા નહોતા અને તેઓને અન્ય સ્થળે રવાના કરી દેવામાં આવ્યા હતા. વિમાનમાં બીજેપીના ધારાસભ્ય નિર્મલ કુમાવત, ગોપીચંદ મીણાસ, જબ્બાર સિંહ ખાંખલા, ધર્મેન્દ્ર મોચી અને ગુરદીપ શાહપીનોના હોવાની સૂચના છે. ત્યાં જ બીજેપી સૂત્રોનું કહેવું છે કે તમામ ધારાસભ્ય એક રિસોર્ટમાં રોકાશે અને સોમનાથ મંદિરનાં દર્શન કરશે. આ ધારાસભ્યોને જયપુર અૅરપોર્ટ સુધી છોડવા આવેલ ધારાસભ્ય અશોક લાહોટીએ કહ્યું કે તે લોકો પોતાની મરજીથી તીર્થયાત્રા પર ગયા છે. તેમણે આરોપ લગાવ્યો, પોલીસ અને પ્રશાસન બીજેપીના કેટલાક ધારાસભ્યોને પરેશાન કરી રહ્યા છે, ધારાસભ્યો સ્વૈચ્છિક યાત્રા પર ગયા છે.

rajasthan jaipur Ashok Gehlot national news bharatiya janata party