04 January, 2026 10:11 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
રામ-જાનકી પથ (અયોધ્યા-જનકપુર) પર સ્થિત આ મંદિર રામાયણ યાત્રા માટે વૈશ્વિક કેન્દ્ર બનશે
બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના કલ્યાણપુર બ્લૉકમાં ચકિયા-કેસરિયા પથ પર આવેલા કૈથવલિયામાં વિરાટ રામાયણ મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે. આ મંદિરમાં એક વિશાળ શિવલિંગ સ્થાપિત થવાનું છે. તામિલનાડુમાં તૈયાર કરવામાં આવેલું આ વિશાળ અને વિશ્વનું સૌથી મોટું શિવલિંગ બિહારમાં પ્રવેશી ગયું છે. બિહારના ગોપાલગંજમાં પ્રવેશતાં જ ભક્તોએ શિવલિંગનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.
ગોપાલગંજ જિલ્લા-પ્રશાસન ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ-અધિકારીઓએ પણ શિવલિંગને પ્રાર્થના કરીને ફૂલો અને ચંદનની પેસ્ટથી સ્વાગત કર્યું. આ શિવલિંગને તામિલનાડુમાં મહાબલીપુરમના પટ્ટીકાડુ ગામમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ શિવલિંગ એક જ મોટા ગ્રેનાઇટ પથ્થરમાંથી કોતરવામાં આવ્યું છે જે એને ભારતીય શિલ્પકળાનું એક અદ્ભુત ઉદાહરણ બનાવે છે. શિવલિંગ સ્પષ્ટપણે પરંપરાગત દક્ષિણ ભારતીય કોતરણીને પ્રતિબિંબિત કરે છે.
મોતીહારીના કૈથવલિયામાં બની રહેલા વિરાટ રામાયણ મંદિરનું સૌથી મોટું આકર્ષણ ૩૩ ફુટ ઊંચું કાળું શિવલિંગ રહેશે જેનું નિર્માણ ૧૦ વર્ષની મહેનત પછી મહાબલીપુરમમાં પૂર્ણ થયું છે. આશરે ૩ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ શિવલિંગને ખાસ ૯૬ પૈડાંવાળી ટ્રકમાં કૈથવલિયા લઈ જવામાં આવી રહ્યું છે.
આ શિવલિંગનું વજન આશરે ૨૧૦ મેટ્રિક ટન છે. ગોપાલગંજની યાત્રા આશરે ૪૮થી ૫૦ કલાકમાં પૂરી કરીને શિવલિંગ પૂર્વ ચંપારણમાં પ્રવેશ કરશે. ગોપાલગંજમાં વિવિધ સ્થળોએ લોકો શિવલિંગનું સ્વાગત અને પૂજા કરવા માટે લાઇનમાં ઊભા છે.
રામ-જાનકી પથ (અયોધ્યા-જનકપુર) પર સ્થિત આ મંદિર રામાયણ યાત્રા માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. એવો અંદાજ છે કે એના ઉદ્ઘાટન પછી વાર્ષિક પચાસ લાખથી વધુ પ્રવાસીઓ અને યાત્રાળુઓ મંદિરની મુલાકાત લેશે. એનાથી બિહારના અર્થતંત્રને ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો ફાયદો થશે.