07 May, 2025 07:03 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ સાથે નરેન્દ્ર મોદી.
પહલગામમાં થયેલા હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ છે. ભારત જડબાતોડ જવાબ આપવાની તૈયારીમાં છે. આની વચ્ચે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને એક મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને ૭ મેના રોજ અસરકારક સિવિલ ડિફેન્સ ડ્રિલ કરવાની સૂચના આપી છે. આમ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે એનાથી કોઈ ઇમર્જન્સી સ્થિતિમાં નાગરિકોને તેઓ પોતાને કઈ રીતે સુરક્ષિત રાખી શકે એની ટ્રેઇનિંગ આપી શકાય.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે હવાઈ હુમલાની સાઇરન સંબંધી મૉક ડ્રિલ કરવાની સૂચના આપી છે. સાથે રાજ્યોને હવાઈ હુમલાની ચેતવણીની સાઇરન વગાડવાની સૂચના પણ આપવામાં આવી છે. નાગરિક સંરક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી છે કે હવાઈ હુમલાની સાઇરન વાગવાની સ્થિતિમાં લોકોને બચાવ સંદર્ભે તાલીમ આપવામાં આવે. કોઈ પણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં આ સાઇરન વાગવા માંડે છે જેથી લોકો નજીકમાં કોઈ સલામત જગ્યાએ છુપાઈ શકે.
મોક ડ્રીલ દરમિયાન નીચેના પગલાં લેવામાં આવશે
1. હવાઈ હુમલાની ચેતવણીના સમયે સાઇરન વગાડવું
2. શત્રુ દ્વારા હુમલાના કિસ્સામાં ખુદને બચાવવા માટે નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને સંરક્ષણની તાલીમ આપવી
3. હુમલાની સ્થિતિમાં ક્રૅશ બ્લૅક આઉટ કરવું
4. મહત્ત્વપૂર્ણ પ્લાન્ટ/ઇન્સ્ટૉલેશનને છુપાવવા માટેની તકેદારી
5. જગ્યા ખાલી કરાવવાની યોજના ઘડવી અને એનો પૂર્વાભ્યાસ કરવો
નરેન્દ્ર મોદીએ કરી બૅક-ટુ-બૅક હાઈ લેવલ મીટિંગ અજિત ડોભાલ અને રાહુલ ગાંધીને મળ્યા
સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક બેઠકો કરી હતી. સોમવારે વહેલી સવારે તેઓ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહને મળ્યા હતા. બન્ને વચ્ચેની આ મુલાકાત લગભગ અડધો કલાક ચાલી હતી. આ બેઠકમાં પહલગામ હુમલા બાદ સુરક્ષા અને જવાબી કાર્યવાહી કરવા વિશે ચર્ચા થઈ હોવાનું મનાય છે. નરેન્દ્ર મોદીએ નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ સાથે પણ ગઈ કાલે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં સુરક્ષા વિશે ચર્ચા કરવામાં આવી હતી. ભારત નિર્ણય લેવા કટિબદ્ધ છે અને સેનાને કાર્યવાહી કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. એ પછી ગૃહસચિવ ગોવિંદ મોહન પણ વડા પ્રધાનને મળ્યા હતા. ગઈ કાલે રાહુલ ગાંધી પણ નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા. રાહુલ ગાંધીની બેઠકને લઈને શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે આ મુલાકાત સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા પ્રમુખની પસંદગી અને પહલગામ-હુમલાને લઈને પણ હોઈ શકે છે.