10 July, 2026 10:07 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યાના રામ મંદિરને ૨૦૨૧માં દાનમાં આપવામાં આવેલી ૨૦૦ કિલો ચાંદી
અયોધ્યાના રામ મંદિરને ૨૦૨૧માં દાનમાં આપવામાં આવેલી ૨૦૦ કિલો ચાંદીને લઈને ઊઠેલા સવાલો પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સત્તાવાર જવાબ જાહેર કર્યો છે. ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે દાનમાં મળેલી તમામ ચાંદી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને એને નિયમોનુસાર સાચવી રાખવામાં આવી છે. વાસ્તવમાં વિશ્વ સિંધી સેવા સંગમ નામના સંગઠને ટ્રસ્ટને પત્ર લખીને પૂછ્યું હતું કે ૨૦૨૧ની ૨૬ જાન્યુઆરીએ અમે દાનમાં આપેલી ચાંદીની ૨૦૦ ઈંટોનું શું થયું, કારણ કે દાન આપનારા લોકોને હજી સુધી એની સત્તાવાર રસીદ મળી નહોતી કે એનો ઉપયોગ ક્યાં થયો એની માહિતી અપાઈ નહોતી.
ટ્રસ્ટે પોતાના જવાબમાં જણાવ્યું કે દાનમાં મળેલી ચાંદીની તમામ ૨૦૦ ઈંટોની વિગતો ટ્રસ્ટના વૅલ્યુએબલ મેટલ રજિસ્ટરમાં નોંધાયેલી છે. બાદમાં લેવાયેલા એક નિર્ણય મુજબ આ ઈંટો અને અન્ય ઉપલબ્ધ ચાંદીને પીગળાવીને ૯૯.૯૯ ટકા શુદ્ધતા ધરાવતા ૨૦-૨૦ કિલોગ્રામના સિલ્વર બાર તૈયાર કરવામાં આવ્યા છે. પોતાના દાવાના સમર્થનમાં ટ્રસ્ટે વજન અને પીગળાવવાની પ્રક્રિયાની તસવીરો પણ શૅર કરી છે. હાલમાં આ સિલ્વર બાર સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા (SBI)ની અયોધ્યા શાખાના લૉકરમાં સુરક્ષિત છે અને ભવિષ્યમાં મંદિરનાં કાર્યોમાં એનો ઉપયોગ કરાશે.
ટ્રસ્ટે હવે વિશ્વ સિંધી સેવા સંગમ પાસે તમામ ૨૦૦ દાનદાતાઓનાં નામ, સરનામાં, મોબાઇલ નંબર, પૅન કાર્ડ અને ઈ-મેઇલ આઇડીની વિગતો માગી છે. ટ્રસ્ટનું કહેવું છે કે આ માહિતી મળ્યા બાદ દરેક દાતાના નામે અલગ-અલગ સત્તાવાર રસીદ બનાવવામાં આવશે. આ રીતે ટ્રસ્ટે દસ્તાવેજો અને તસવીરો સાથે પોતાની પારદર્શિતા જાહેર કરીને વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે.