ચીન સામેનો ખતરો યથાવત : નરવણે

13 January, 2022 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય લશ્કરના વડા જનરલ એમ. એમ. નરવણેએ કહ્યું હતું કે ‘લદાખમાં વાસ્તવિક રેખાની ઉપર દબાણ ઓછું થયું હોવા છતાં સમગ્ર વિસ્તારમાં ચીનનો ખતરો મંડાયેલો જ છે. ભારતીય સેના ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) સામેની ટક્કર ઝીલવા મક્કમ છે

ભારતીય લશ્કરના વડા જનરલ એમ. એમ. નરવણે

નવી દિલ્હી : ભારતીય લશ્કરના વડા જનરલ એમ. એમ. નરવણેએ કહ્યું હતું કે ‘લદાખમાં વાસ્તવિક રેખાની ઉપર દબાણ ઓછું થયું હોવા છતાં સમગ્ર વિસ્તારમાં ચીનનો ખતરો મંડાયેલો જ છે. ભારતીય સેના ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) સામેની ટક્કર ઝીલવા મક્કમ છે.’ એન્યુઅલ આર્મી-ડેની પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા નરવણેએ કહ્યું હતું કે ‘૨૦૨૦માં જે સ્થળે બન્ને દેશના લશ્કર વચ્ચે સંઘર્ષ થયો હતો ત્યાં ભારતે પોતાના લશ્કરની હાજરી વધારી છે તેમ જ આ વર્ષે પણ તે યથાવત્ રાખવામાં આવશે.’ 
નરવણેએ કહ્યું હતું કે ‘ઉત્તર સરહદ પર અમે તમામ તૈયારીઓ રાખી છે, સાથોસાથ પીએલએ સાથે ચર્ચાઓ પણ યથાવત્ રાખી છે. નાગાલૅન્ડમાં ફાયરિંગના બનાવ બાદ ભારતીય લશ્કરે યોગ્ય પગલાં લીધાં છે. પૂર્વોત્તરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ભારત અને મ્યાનમારની બોર્ડર પર આસામ રાઇફલ્સની બટાલિયનની સંખ્યા વધારવાની યોજના હોવા છતાં પણ અન્ય બટાલિયનને હટાવી લેવામાં આવી છે. બીજી તરફ પાકિસ્તાન બોર્ડર પર આતંકવાદીઓના લોન્ચપેડમાં સતત વધારો જ થયો છે, તેમ છતાં આપણે ઘૂસણખોરીના અનેક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. કોરોનાની અસર વિશે એમણે કહ્યું હતું કે કોવિડને કારણે હું બોર્ડર પર હાજર મારા સૈનિકોને મળી શક્યો નહોતો.’ હાલ ભારતના ૫૩૦૦ સૈનિકો આઠ યુએન પીસ મિશનમાં કામ કરી રહ્યા છે.  
ભારત અને ચીનની લશ્કરી કમાન્ડર વચ્ચે ચાલી રહેલી ૧૪મા રાઉન્ડની વાતચીત અંગે એમણે કહ્યું હતું કે ‘અમે ઇચ્છીએ છીએ કે આ વાતચીતમાં પેટ્રોલિંગ પૉઇન્ટ ૧૫ના વિવાદનો ઉકેલ મળી જાય, ત્યાર બાદ અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. હાલ લદાખ સરહદ પર મોટી સંખ્યામાં ચીનના લશ્કરની હાજરી છે, તેઓ ત્યાં માળખાકીય સુવિધા પણ ઊભી કરી રહ્યા છે. તેઓ ત્યાં જ રહેવા માગે છે કે સરહદથી દૂર થવા માગે છે એ વાત પર બધું નિર્ભર છે.’    

china national news