પહલગામના અટૅકરો ચારેક વખત ઝડપાઈ ગયા

30 April, 2025 06:57 AM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

કુલગામ, ત્રાલ અને કોકરનાગનાં જંગલોમાં છુપાયા છે, આર્મી અને સુરક્ષા દળો તેમને ઘેરવાની તૈયારીમાં

હુમલાખોરોના સ્કેચ

છેલ્લા પાંચ દિવસમાં સુરક્ષા દળોએ ઓછામાં ઓછા ચાર વખત પહલગામના હુમલાખોરોને શોધી કાઢ્યા હતા અને સુરક્ષા દળો સાઉથ કાશ્મીરનાં જંગલોમાં તેમને ઘેરવાની ખૂબ નજીક પહોંચી ગયાં હતાં એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ આતંકવાદીઓ કુલગામ, ત્રાલ અને કોકરનાગનાં જંગલોમાં જોવા મળ્યા હતા. એક સમયે સુરક્ષાદળોએ આતંકવાદીઓ પર ગોળીબાર પણ કર્યો હતો એમ પણ જાણવા મળે છે. સુરક્ષા દળોએ આશા વ્યક્ત કરી હતી કે અમે તેમને ઝડપી લઈશું.

બે ભારતીય સહિત કુલ ચાર હુમલાખોરોને પકડવા માટે આર્મી સાથે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે પહલગામનાં જંગલોમાં કૉર્ડન અને સર્ચ-ઑપરેશન હાથ ધર્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકોના સહયોગથી હુમલાખોરોનું લોકેશન જાણવા મળ્યું હતું. હાલ સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચે ઉંદર અને બિલાડીની રમત ચાલી રહી છે. તેઓ એક જગ્યાએ જોવા મળે છે પણ તેમને પકડવાની તૈયાર શરૂ થાય ત્યાં સુધીમાં તેઓ ત્યાંથી છટકી જાય છે. એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે અમે આતંકવાદીઓને ઝડપી લઈશું.
આતંકવાદીઓને પણ સ્થાનિક લોકોનો સપોર્ટ મળી રહે છે જેઓ તેમને ભોજન અને બીજી જાણકારી અને માહિતી પણ પૂરાં પાડે છે. આતંકવાદીઓ તેમની પાછળ આવતાં સુરક્ષા દળોને હાથતાળી આપીને છટકી જવામાં હાલમાં તો સફળ થઈ રહ્યા છે.

પાકિસ્તાન ડર્યું, નઇસ્લામાબાદથી લાહોર વચ્ચેની ઍરસ્પેસ બંધ કરી

પહલગામ હુમલાને લઈને ભારત જવાબી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. આ વચ્ચે પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. ઇસ્લામાબાદથી લાહોર વચ્ચે ૨૮-૩૦ એપ્રિલ સુધી ઍરસ્પેસ બંધ કરી દેવાયું છે. પાકિસ્તાન વાયુસેનાએ નોટિસ ટુ ઍરમેન જાહેર કર્યું. હવે કોઈ પણ મુસાફર-વિમાન આ રૂટ પર ઉડાન નહીં ભરે.

national news india Pahalgam Terror Attack jammu and kashmir terror attack indian army