દેશમાં કોરોના વાઈરસની પરિસ્થિતિ ચોમાસા પછી શિયાળામાં વધુ બગડશે

21 July, 2020 11:52 AM IST  |  New Delhi | Agencies

દેશમાં કોરોના વાઈરસની પરિસ્થિતિ ચોમાસા પછી શિયાળામાં વધુ બગડશે

પ્રતીકાત્મક તસવીર

અનલૉક-2.0માં કોરોના વાઇરસનું દેશમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું હોવાના ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના દાવા વચ્ચે રવિવારે અનલૉકના ૧૯મા દિવસે અધધધ... ૪૦,૦૦૦ કરતાં વધારે નવા કેસ સામે આવ્યા હતા. એ સાથે જ વધુ ૬૭૫ લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં હતાં. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૯૫૧૮ દરદી મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. જોકે  કેસ વધતાં ફરીથી દેશવ્યાપી લૉકડાઉનની શક્યતા નહીંવત છે, કેમ કે કેન્દ્ર દ્વારા એવો ખુલાસો કરાયો છે કે ફરીથી દેશવ્યાપી લૉકડાઉન નહીં આવે, પરંતુ કેટલાંક રાજ્યોમાં કેસ વધતાં લૉકડાઉનની શક્યતા નકારી શકાતી નથી. બિહારમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. ગોવામાં આંશિક લૉકડાઉન છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો રવિવારે ૧૧ લાખને પાર કરી ગયો હતો. માત્ર ત્રણ દિવસમાં એક લાખ કેસ નોંધાયા હોય એવું ત્રીજી વખત બન્યું છે. અમેરિકા બાદ ભારતમાં જ રોજેરોજ સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. દરમ્યાનમાં આઇઆઇટી ભુવનેશ્વર અને એઇમ્સના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ચોમાસા અને શિયાળામાં સંક્રમણની ઝડપ વધી શકે છે. એક ડિગ્રી તાપમાન ઘટે તો સંક્રમણ ૦.૯૯ ટકા વધે છે. વરસાદ-શિયાળામાં વાતાવરણ ઠંડું થવાથી કોરોના માટે અનુકૂળ વાતાવરણ સર્જાય છે.

coronavirus covid19 lockdown national news new delhi