દેશવાસીઓને જણાવી પોતાની પ્રેરક વાતો

09 March, 2020 09:21 AM IST  |  Mumbai Desk

દેશવાસીઓને જણાવી પોતાની પ્રેરક વાતો

વડા પ્રધાનનું ટ‍્‌વિટર-અકાઉન્ટ હૅન્ડલ કરનાર સાત મહિલાઓ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર-અકાઉન્ટ પર સાત એવી મહિલાઓ છવાઈ રહી જેમણે પોતાના કામથી દેશ અને દુનિયાને પ્રેરણા આપી છે. નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સવારે મહિલા દિવસ નિમિત્તે પોતાનું સોશ્યલ મીડિયા-અકાઉન્ટ સાત મહિલાઓને સોંપ્યું હતું અને આ સાતેય મહિલાઓએ ટ્વિટર પર પોતાની યાદગાર પળો શૅર કરી હતી. મહિલાઓમાં સ્નેહા મોહનદાસ, ડૉ. માલવિકા અય્યર, અરિફા, કલ્પના રમેશ, વિજયા પવાર, કલાવતી દેવી અને વીણા દેવીનો સમાવેશ થાય છે. તો આવો જાણીએ આ સાત મહિલાઓ વિશે...

સ્નેહા મોહનદાસ : સ્નેહાએ ભૂખમરો મિટાવવા ફૂડ બૅન્કની શરૂઆત કરી
પોતાની માતાથી પ્રેરણા લઈ ભૂખમરો મિટાવવા ફૂડ બૅન્ક ઇન્ડિયાની પહેલ કરી હતી જેમાં મોટા પ્રમાણમાં જમવાનું બનાવવાની અલગ-અલગ પ્રક્રિયા અને સ્તનપાન વિશે જાગરૂકતા અભિયાન ચલાવવાનું શરૂ કર્યું.

માલવિકા અય્યર : વિસ્ફોટમાં ગુમાવ્યા હાથ-પગ
માલવિકાએ એક બૉમ્બ વિસ્ફોટમાં હાથ અને એક પગ ગુમાવ્યો હતો છતાં ગભરાયા વગર તેણે પીએચડીની ડિગ્રી મેળવી.

અરિફા કાશ્મીર : શિલ્પ નર્મદાને પ્રોત્સાહન
અરિફા કશ્મીર પારંપરિક શિલ્પ નર્મદાને વધારવાનું કામ કરે છે. તેમનું કહેવું છે કે મહિલાઓએ આત્મનિર્ભર થવું અને બીજી મહિલાઓને મદદ કરવું જરૂરી છે.

કલ્પના રમેશ : જળ સંરક્ષણ ક્ષેત્રમાં કર્યું કામ
કલ્પના રમેશ જળ સંરક્ષણના ટકાઉ મૉડલ વિકસિત કરવાનું કામ કરે છે.

વિજયા પવાર : હસ્તશિલ્પના સંરક્ષણને આપી નવી દિશા
વિજયા પવાર છેલ્લા બે દાયકામાં બંજારા સમુદાયનાં હસ્તશિલ્પના સંરક્ષણને નવી દિશા આપવા કામ કરી રહી છે.

કલાવતી દેવી : હજારો શૌચાલય બનાવવા પૈસા દાન આપ્યા
કાનપુરની કલાવતી દેવીએ પોતાના ક્ષેત્રના લોકોને હજારો શૌચાલય બનાવવા માટે પૈસા દાન કરવા પ્રેરણા આપી હતી.

વીણા દેવી : મશરૂમની ખેતી કરવાની પહેલ કરી
મૂંગેરીની વીણા દેવીએ મશરૂમની ખેતી કરવાની પહેલ કરી અને અન્ય મહિલાઓને પણ આ કામમાં પોતાની સાથે જોડી તેમને આત્મનિર્ભર બનાવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે મહિલા દિને #sheInspiresUs નામથી ચલાવવામાં આવેલા આ કેમ્પેનમાં દેશના સેંકડો લોકોએ ટ્વીટ કરી આ મહિલાઓની પ્રસંશા કરી હતી.

ઉત્સાહ અકબંધ: દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડેની ઉજવણી નિમિત્તે નારી પુરસ્કાર ૨૦૧૯ અવૉર્ડ આપવામાં આવતા હતા ત્યારે અવૉર્ડ સ્વિકાર્યા બાદ સનિયિર સિટીઝન સરદારની મન કોર આ રીતે ઉત્સાહમાં આગળ વધી હતી. જેને જોઇને સ્મૃતિ ઇરાની, ફસ્ર્ટ લેડી સવિતા કોવિંદ અને નિર્મલા સિતારમણ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.  તસવીર : પી.ટી.આઇ

યુઝરે મહિલા પાસે વડા પ્રધાન મોદીના ટ‍્‌‌વિટર-અકાઉન્ટનો પાસવર્ડ માગ્યો 
મહિલા દિવસના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વચન પ્રમાણે પોતાનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ એ મહિલાઓને સોંપી દીધું છે જેમની કહાની દુનિયા માટે પ્રેરણાસ્રોત છે. આ સિલસિલામાં પીએમ મોદીના ટ્વિટર અકાઉન્ટ માટે જાણીતી મહિલાઓ સંભાળી રહી છે. ચેન્નઈના સ્નેહા મોહનદાસે પીએમ મોદીના ટ્વિટર અકાઉન્ટને સંભાળ્યું. આ દરમ્યાન સ્નેહાને એક યુઝરે પૂછ્યું કે તેઓ પીએમના ટ્વિટર અકાઉન્ટનો પાસવર્ડ જણાવી દે. વિક્રાંત ભદૌરિયા નામના શખ્સે સ્નેહા મોહનદાસને કહ્યું કે પ્લીઝ પાસવર્ડ બતાવી દો. એના જવાબમાં પીએમનું ટ્વિટર અકાઉન્ટ સંભાળી રહેલાં સ્નેહા મોહનદાસે કહ્યું, ‘ન્યુ ઇન્ડિયા લોગ ઇન તો કરીને જુઓ.’ સ્નેહા મોહનદાસનો આ જવાબ ટ્વિટર પર વાઇરલ થઈ રહ્યો છે.