ઑક્સિજનના મુદ્દે શાસક અને વિપક્ષ આમનેસામને

22 July, 2021 11:13 AM IST  |  New Delhi | Agency

કોઈ પણ રાજ્યમાં ઑક્સિજનની અછતથી મૃત્યુ નથી નોંધાયાં અેવા બીજેપીના નિવેદનથી વિરોધ પક્ષો વિફર્યા

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

ઑક્સિજનની અછતને લીધે કોઈ મૃત્યુ થયું ન હોવાના સંસદમાં સરકારના જવાબ પર કૉન્ગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલા આક્રમણના જવાબમાં બીજેપીએ ગઈ કાલે કહ્યું હતું કે કોઈ પણ રાજ્ય સરકારે ઑક્સિજનની અછતને કારણે થયેલાં મૃત્યુના આંકડા મોકલ્યા નથી. સત્તાધારી ભગવા પાર્ટીએ કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય વિરોધ પક્ષોને કોવિડ મૃત્યુ પર રાજકારણ કરવા પર શાબ્દિક ચાબખા મારતાં એક પત્રકાર પરિષદમાં ઉપરોક્ત વાત કહી હતી.
આરોગ્ય ખાતાના રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય પ્રધાન ભારતી પ્રવીણ પવારે રાજ્યસભામાં એક પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું હતું કે આરોગ્ય એ રાજ્યનો વિષય છે. કેન્દ્ર સરકાર માત્ર રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલા આંકડાઓ સંગ્રહિત કરે છે અને મૃત્યુની નોંધ કરવા માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા પણ બહાર પાડી છે.
બીજેપીએ જણાવ્યું હતું કે પોતાના રાજ્યમાં ઑક્સિજનની તંગીથી કોઈ જ મૃત્યુ ન થયાં હોવાનું અગાઉ જે પણ વિપક્ષી-શાસિત રાજ્યો કહેતાં હતાં તેઓ હવે આ મુદ્દે રાજકારણ રમી રહ્યા છે. ભાજપના પ્રવક્તા સંબીત પાત્રાએ ગઈ કાલે પત્રકારોને કહ્યું હતું કે મંગળવારે સંસદમાં ઑક્સિજન સંબંધિત જે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા એ રાજ્રયો તરફથી જ મળ્યા હતા.વિપક્ષોને આંકડા ખોટા લાગતા હોય તો પોતાના જ રાજ્યોને પૂછવું જોઈએ.

વિરોધ  પક્ષોનો ભારે ઊહાપોહ
દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દર સિંહે કહ્યું હતું કે ‘કોઈ પણ રાજ્યમાં ઑક્સિજનની અછતને લીધે એકેય જણનું મૃત્યુ નથી થયું એવું કહેવું ખોટું છે. જો ઑક્સિ‌જનની કોઈ અછત નહોતી તો પછી હૉસ્પિટલો વધુ પ્રાણવાયુ માટે શા માટે રોજ કોર્ટના ચક્કર લગાવતી હતી?’
એક તરફ ગુજરાત સહિત કેટલાક બીજેપીશાસિત રાજ્યોએ ઑક્સિજનની તંગીથી પોતાના રાજ્યમાં એક પણ કોરોના-સંક્રમિતનું મૃત્યુ નથી થયું એવું ગઈ કાલે કહ્યું ત્યાં બીજી તરફ કૉન્ગ્રેસના અને બીજા વિપક્ષોના નેતાઓએ કેન્દ્ર સરકારના દાવાની ટીકા કરી હતી.

national news