દાદર ટર્મિનસના છ-સાત નંબરના પ્લૅટફૉર્મ પર જવાનો રસ્તો વન-વે

21 January, 2026 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્વજનોને ડ્રૉપ કર્યા પછી કાર ત્યાંથી જ પાછી કાઢશો તો ટ્રાફિક-પોલીસ ફટકારશે દંડ

દાદરના તિલક બ્રિજ પરથી દાદર ટર્મિનસના પ્લૅટફૉર્મ-નંબર છ અને સાત પર જવાનો વન-વે રસ્તો અને ચાલી રહેલું નવા ઓવરબ્રિજનું બાંધકામ.

વેસ્ટર્ન રેલવેના દાદર ટર્મિનસના છ અને સાત નંબરના પ્લૅટફૉર્મ પર કાર/ટૅક્સીથી જવા માટે તિલક બ્રિજથી જવાના રસ્તાને વન-વે કરવામાં આવ્યો છે. જોકે કચ્છ સયાજીનગરી એક્સપ્રેસ અને કચ્છ-ગુજરાત તરફ જતી બહારગામની અન્ય ટ્રેનોના મુસાફરો આ બાબતથી અજાણ હોવાથી તેઓ તેમના સ્વજનોને મૂકીને પાછા વળતાં હેરાનગતિનો અને સ્માર્ટ બનવા જતાં ટ્રાફિક-વિભાગની દંડાત્મક કાર્યવાહીનો ભોગ બની રહ્યા છે. 

આવા પ્રવાસીઓને કચ્છ પ્રવાસી સંઘ તરફથી નિવેદન કરવામાં આવ્યું છે કે તમે આવી હાલાકીનો ભોગ ન બનો એ માટે તિલક બ્રિજ પર ઊતરી રેલવેની લિફ્ટનો ઉપયોગ કરીને પ્લૅટફૉર્મ-નંબર પાંચ પરથી પ્લૅટફૉર્મ-નંબર છ અને સાત પર જઈ શકો છે. કચ્છ પ્રવાસી સંઘ દ્વારા રેલવેને વ્હીલચૅર ડોનેટ કરવામાં આવી છે. સિનિયર સિટિઝનો અને દિવ્યાંગો પ્લૅટફૉર્મ-નંબર પાંચ પર આવેલા પાર્સલ વિભાગ પાસેથી આ વ્હીલચૅર મેળવી શકે છે જે નિઃશુલ્ક સેવા છે. આ સિવાય દાદર ટર્મિનસના પ્લૅટફૉર્મ-નંબર છ અને સાત પર જવા માટે ઇલેક્ટ્રિક કારની પણ સુવિધા રાખવામાં આવી છે જેનો વ્યક્તિદીઠ ૫૦ રૂપિયા ચાર્જ છે.

આ બાબતની માહિતી આપતાં કચ્છ પ્રવાસી સંઘના અધ્યક્ષ અને ડિવિઝનલ તથા સબર્બન રેલવે યુઝર્સ કમિટીના સભ્ય નીલેશ શ્યામ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાદર ટર્મિનસના પ્લૅટફૉર્મ-નંબર છ અને સાતથી ઊપડતી બહારગામની ટ્રેનો પકડવા માટે થોડા સમયથી કાર-ટૅક્સી માટે તિલક બ્રિજથી રૅમ્પ જવા વન-વે કરવામાં આવ્યો છે. એને કારણે કારથી જતા પ્રવાસીઓએ તિલક બ્રિજ પરથી નીચે જઈને સર્વિસ રોડથી માટુંગા રોડ થઈને ધારાવી અથવા માહિમથી બહાર નીકળવું પડે છે. પૅસેન્જરોને છોડીને વળતી વખતે તિલક બ્રિજથી બહાર નીકળવા જતાં લોકો ટ્રાફિક-વિભાગની દંડાત્મક કાર્યવાહીનો ભોગ બની જાય છે. ટ્રાફિક-વિભાગ આ વાહનો પર ૧૫૦૦ રૂપિયાનો ફાઇન મારે છે. તિલક બ્રિજ પર નવા ઓવરબ્રિજનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી રૅમ્પ-વે પરથી વાહનો આવતાં દાદર TT જવાના રસ્તા પર ટ્રાફિક-જૅમ થાય છે. ભવિષ્યમાં રેલવે પ્રશાસન તરફથી પ્લૅટફૉર્મ-નંબર આઠનું કામ પણ શરૂ કરવામાં આવશે. એની નોંધ રાખીને પ્રવાસીઓને કચ્છ પ્રવાસી સંઘના નિવેદન પર અમલ કરવાની અમે વિનંતી કરીએ છીએ.’

ઇલેક્ટ્રિક કાર-સર્વિસ માટે સંપર્ક કરો 

નીલેશ શાહે કહ્યું હતું કે ‘વેસ્ટર્ન રેલવેના છ અને સાત નંબરના પ્લૅટફૉર્મ પર ઇલેક્ટ્રિક કારની સુવિધાનો લાભ લેવા ઇચ્છતા મુસાફરો ઇલેક્ટ્રિક કારના ડ્રાઇવર મંગેશનો મોબાઇલ-નંબર 85912 07848 અને સુરેન્દ્રનો મોબાઇલ-નંબર 89228 22803 પર સંપર્ક કરી શકે છે.

mumbai news mumbai western railway mumbai local train dadar mumbai traffic mumbai railways