૧૦ રૂપિયાના સિક્કાની ગૂંચવણ વિશે સંસદમાં ધાંધલ

21 December, 2018 10:47 AM IST  | 

૧૦ રૂપિયાના સિક્કાની ગૂંચવણ વિશે સંસદમાં ધાંધલ

10 રૂપિયાના સિક્કા મામલે પહેલા પણ આવી ચૂકી છે ફરિયાદ

દેશના અનેક હિસ્સામાં કેટલાક દુકાનદારો કે પબ્લિક દસ રૂપિયાના કેટલાક સિક્કાઓ સ્વીકારતા ન હોવાના સમાચાર મળી રહ્યા છે. ગઈ કાલે આરજેડીના સંસદસભ્ય જયપ્રકાશ યાદવે લોકસભાના ઝીરો અવર દરમ્યાન આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. જયપ્રકાશ યાદવે કહ્યું હતું કે બિહાર અને ઝારખંડમાં અનેક ઠેકાણે ચોક્કસ ડિઝાઇનોના ૧૦ રૂપિયાના સિક્કા સ્વીકારવામાં આવતા નથી. હકીકતમાં ૧૦ રૂપિયાના સિક્કાની કુલ ૧૪ ડિઝાઇનના વૈવિધ્યને કારણે અવારનવાર ગૂંચવણ પેદા થાય છે.

જોકે આ સમસ્યા માત્ર બિહાર અને ઝારખંડમાં જ નહીં, ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોમાં પણ પ્રવર્તે છે. રિઝર્વ બેન્કે અનેક વાર આ બાબતે સ્પષ્ટતા કરી હોવા છતાં ૧૦ રૂપિયાના સિક્કા બાબતે શંકાઓને કારણે લોકો ૧૦ રૂપિયાના સિક્કા લેવામાં આનાકાની કરી રહ્યા છે. બૅન્કો પાસે હવે ૧૦ રૂપિયાના સિક્કાઓ સ્ટોર કરવા જગ્યા પણ ઓછી પડી રહી છે.

આ વર્ષે જાન્યુઆરીમાં રિઝર્વ બેન્કે એક નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે ‘RBIના ધ્યાન પર આવ્યું છે કે કેટલાંક સ્થળોએ લોકો અને દુકાનદારો ૧૦ રૂપિયાના સિક્કા નકલી હોવાની શંકા સાથે એને સ્વીકારવાની ના પાડી રહ્યા છે. અત્યાર સુધીમાં RBIએ ૧૦ રૂપિયાના સિક્કાની ૧૪ ડિઝાઇન બહાર પાડી છે. આ તમામ સિક્કા કાયદેસર માન્યતા ધરાવે છે એટલે એનો લેવડદેવડમાં ઉપયોગ કરી શકાય છે.’

national news bihar jharkhand reserve bank of india