૨,૦૦૦ નહીં, પણ ૫૦૦ની નોટ ‘મોસ્ટ વૉન્ટેડ’

24 May, 2023 12:44 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દેશમાં ૨,૦૦૦ રૂપિયાની નોટ ન તો સૌથી વધુ સંખ્યામાં જપ્ત કરવામાં આવેલી બનાવટી નોટ હતી કે ન તો સૌથી વધુ સંખ્યામાં જપ્ત કરવામાં આવેલી જેન્યુઇન નોટ

નવી દિલ્હીમાં ગઈ કાલે એક બૅન્કમાં ૨,૦૦૦ રૂપિયાની કરન્સી નોટ્સ સાથે એક વ્યક્તિ.

ભારતમાં ૨૦૨૧માં ૨,૦૦૦ રૂપિયાની નોટ ન તો સૌથી વધુ સંખ્યામાં જપ્ત કરવામાં આવેલી બનાવટી નોટ હતી કે ન તો સૌથી વધુ સંખ્યામાં જપ્ત કરવામાં આવેલી જેન્યુઇન નોટ હતી. છેલ્લે ૨૦૨૧ના વર્ષના જ ઑફિશ્યલ આંકડા અવેલેબલ છે. બલકે ૫૦૦ રૂપિયાના મૂલ્યની કરન્સી નોટ સૌથી વધુ સંખ્યામાં જપ્ત કરવામાં આવી છે.  ૨૦૨૧ વર્ષ માટેના નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરોના ડેટાથી આ વાત સ્પષ્ટ થાય છે. 

૨૦૨૧માં ૬.૧૮ લાખ ઓરિજિનલ કરન્સી નોટ્સ જપ્ત કરવામાં આવી હતી, જેમાંથી ૨,૦૦૦ની નોટ માત્ર ૨૪,૨૩૯ જ હતી. સંગ્રહખોરો ૫૦૦ રૂપિયાની ઓરિજિનલ કરન્સી નોટ પ્રિફર કરતા હોય એમ જણાય છે, કેમ કે રેગ્યુલેશન એજન્સીઓ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓના દરોડાઓમાં ૫૦૦ રૂપિયાના મૂલ્યની ૨.૫૧ લાખ નોટ્સ જપ્ત કરવામાં આવી હતી. મૂલ્યની દૃષ્ટિ​એ ૨,૦૦૦ રૂપિયાના મૂલ્યની ૪.૮૪ કરોડ રૂપિયાની નોટ જપ્ત કરવામાં આવી હતી, જ્યારે ૫૦૦ રૂપિયાના મૂલ્યની ૧૨.૫૮ કરોડ રૂપિયાની નોટ્સ જપ્ત કરવામાં આવી છે. 

હવે જપ્ત કરવામાં આવેલી બનાવટી નોટ્સ વિશે વિગતો મેળવીએ તો ૨૦૨૧માં કુલ ૩.૧ કરોડ બનાવટી નોટ્સ દેશમાં જપ્ત કરવામાં આવી હતી, જેમાંથી ૬૦,૯૧૫ નોટ ૨,૦૦૦ રૂપિયાની હતી, જ્યારે ૫૦૦ રૂપિયાના મૂલ્યની બનાવટી નોટ્સની સંખ્યા ૧.૩૨ લાખ હતી. મૂલ્યની દૃષ્ટિએ વાત કરીએ તો ૨,૦૦૦ રૂપિયાના મૂલ્યની ફેક કરન્સી નોટનું કુલ મૂલ્ય ૧૨.૧૮ કરોડ રૂપિયા હતું. કુલ ૨૦.૦ કરોડ રૂપિયાના મૂલ્યની બનાવટી નોટ્સ જપ્ત કરવામાં આવી છે. 

૨,૦૦૦ની નોટને ગુડબાય

નવી દિલ્હીમાં ગઈ કાલે એક બૅન્કમાં ૨,૦૦૦ રૂપિયાની કરન્સી નોટ્સ સાથે એક વ્યક્તિ. ૨,૦૦૦ રૂપિયાની નોટ્સને એક્સચેન્જ કે ડિપોઝિટ કરવાના પહેલા દિવસની ગઈ કાલથી શરૂઆત થઈ હતી. બૅન્કો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં પૅન કે આધાર જેવાં આઇડેન્ટિટી કાર્ડ્સ અને ઑફિશ્યલ ફૉર્મ્સની જરૂરિયાતને લઈને લોકોમાં મૂંઝવણ હતી. કેટલીક જગ્યાએ બૅન્કો કસ્ટમર્સ પાસેથી પ્રૂફ તરીકે આઇડી કાર્ડ માગતી હોવાની ફરિયાદ પણ આવી છે. 

national news indian rupee reserve bank of india new delhi