નવી પૅનલમાં કેન્દ્ર અને રાજ્યોને સરખું મહત્વ અપાશે : પીએમ

08 December, 2014 05:26 AM IST  | 

નવી પૅનલમાં કેન્દ્ર અને રાજ્યોને સરખું મહત્વ અપાશે : પીએમ


પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ સૌથી પહેલું સૂચન ૧૯૫૦માં સ્થપાયેલા દેશના પ્લાનિંગ કમિશનનું વિસર્જન કરીને એના બદલે કોઈ નવી વ્યવસ્થા ઊભી કરવાનું કર્યું હતું, એના પગલે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે તકરાર ચાલી રહી છે. ગઈ કાલે પ્રાઇમ મિનિસ્ટરના બંગલામાં દેશનાં રાજ્યોના ચીફ મિનિસ્ટરોની બેઠકમાં કેટલાક ચીફ મિનિસ્ટરોએ પ્લાનિંગ કમિશન ખતમ ન કરવાની પ્રાઇમ મિનિસ્ટરને વિનંતી પણ કરી હતી અને કેટલાક નેતાઓએ મોદીની કાર્યશૈલીની ટીકા પણ કરી હતી. જોકે પ્લાનિંગ કમિશને પ્રાઇમ મિનિસ્ટરની અધ્યક્ષતાવાળી કમિટીને સૂચન કર્યું હતું કે પ્લાનિંગ કમિશનના બદલે નવી વ્યવસ્થા કે કમિશન કે કમિટી જેનું ગઠન થાય એ બદલતી વૈશ્વિક આર્થિક જરૂરતોને સંતોષી શકે એવી હોવી જોઈએ.

પ્લાનિંગ કમિશનનો મત

જેનું ભવિષ્ય નક્કી કરવા માટે અને નવી વ્યવસ્થાની વિચારણા માટે આ બેઠક મળી હતી એમાં નવી વ્યવસ્થાનું પ્રેઝન્ટેશન આપતાં પ્લાનિંગ કમિશનના સેક્રેટરી સિંધુશ્રી ખુલ્લરે કહ્યું હતું કે ‘નવી સંસ્થામાં ૮-૧૦ કાયમી કે વર્કિંગ મેમ્બર્સ હશે અને એમાં અડધા મેમ્બરો રાજ્યોના પ્રતિનિધિઓ હશે. અમારું સૂચન છે કે બાકીના મેમ્બર્સ પર્યાવરણ, ફાઇનૅન્સ સહિતનાં વિવિધ ક્ષેત્રોના એક્સપર્ટ્સ કે એન્જિનિયર્સ કે સાયન્ટિસ્ટ હોવા જોઈએ અને નવી વ્યવસ્થાનું અધ્યક્ષપદ પ્રાઇમ મિનિસ્ટર સંભાળે એ ઇચ્છનીય છે.’

રાજકારણ રમાયું?

આવી મહત્વપૂર્ણ બેઠકમાં પણ જોરદાર રાજકારણ રમાઈ રહ્યું છે. આ બેઠકમાં  અખિલેશ યાદવ (ઉત્તર પ્રદેશ), મનોહર લાલ ખટ્ટર (હરિયાણા), દેવેન્દ્ર ફડણવીસ (મહારાષ્ટ્ર), આનંદીબહેન પટેલ (ગુજરાત), વસુંધરા રાજે સિંધિયા (રાજસ્થાન), શિવરાજ સિંહ ચૌહાણ (મધ્ય પ્રદેશ), રમણ સિંહ (છત્તીસગઢ), હરીશ રાવત (ઉત્તરાખંડ) અને ઓમાન ચંડી (કેરળ) સહિતના ચીફ મિનિસ્ટરો હાજર હતા. જોકે પિમ બંગનાં ચીફ મિનિસ્ટર મમતા બૅનરજીના બદલે તેમના ફાઇનૅન્સ મિનિસ્ટર અમિત મિત્રા હાજર હતા, પરંતુ જમ્મુ અને કાશ્મીરના ચીફ મિનિસ્ટર ઉમર અબ્દુલ્લા અને ઝારખંડના ચીફ મિનિસ્ટર હેમંત સોરેન બેઠકમાં હાજર નહોતા.
નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

પ્લાનિંગ કમિશનના જૂના માળખાને બદલે નવી સિસ્ટમ ઊભી કરવાની જરૂર છે, જેમાં રાજ્યોની ભૂમિકા પણ મહત્વની હોવી જોઈએ. નવી સિસ્ટમમાં ત્રણ ટીમનું મારું સૂચન છે, જેમાં એક ટીમ પ્રાઇમ મિનિસ્ટર અને ચીફ મિનિસ્ટરોની હોય, બીજી ટીમમાં કેન્દ્રના મિનિસ્ટરો હોય અને ત્રીજી ટીમમાં કેન્દ્ર અને રાજ્યોના સનદી અધિકારીઓ હોય. આવી કોઈ વ્યવસ્થા માટે વિચારણા થઈ રહી છે.


અરુણ જેટલીએ શું કહ્યું?

આર્થિક ઉદારીકરણના માહોલમાં સંજોગો બદલાયા છે. હવે રાજ્યોની જરૂરિયાતો પણ સમય સાથે બદલાઈ છે એથી પ્લાનિંગ કમિશનના બદલે કોઈ નવી વ્યવસ્થાની જરૂર જણાઈ રહી છે, જે તમામ રાજ્યોની જરૂરિયાતોને સંતોષી શકે. ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર અને અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહ પણ પ્લાનિંગ કમિશનમાં ફેરફારના પક્ષધર હોવાનું આપણે જાણીએ છીએ.