મહંતને માથામાં ઈજા હોવાનો દાવો

23 September, 2021 12:19 PM IST  |  Prayagraj | Agency

નરેન્દ્ર ગિરિના મૃતદેહની ઑટોપ્સી બાદ પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરાયા

મહંત નરેન્દ્રગિરિના શિષ્ય તથા મુખ્ય આરોપી એવા આનંદગિરિને ગઈ કાલે હરિદ્વાર પોલીસે અટકમાં લીધા હતા. પી.ટી.આઇ

અખિલ ભારતીય અખાડા પરિષદના ચીફ મહંત નરેન્દ્રગિરિને જ્યારથી ખબર પડી કે તેમના એક નજીકના શિષ્ય તેમની (મહંતની) એક છોકરી અથવા તો એક મહિલા સાથેની મૉર્ફ કરાયેલી અશ્લીલ તસવીર સોશ્યલ મીડિયામાં વાઇરલ કરવા વિચારી રહ્યા છે ત્યારથી તેઓ ખૂબ માનસિક દબાણમાં હતા અને કહેવાય છે કે એટલે જ તેમણે શરમજનક સ્થિતિથી બચવા આત્મહત્યાનું પગલું ભર્યું હતું.
સોમવારે બાઘંબરી મઠમાં મહંતનો તેમની રૂમમાં લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તેમના શિષ્ય હરિદ્વારના આનંદગિરિને અટકમાં લીધા છે અને કહેવાય છે કે આનંદગિરિ જ મહંતની એ મૉર્ફ કરાયેલી તસવીર અપલોડ કરવાના હતા.
કહેવાય છે કે ખુદ મહંતે સુસાઇડ-નોટમાં આનંદગિરિ તરફથી અપાઈ રહેલી કથિત બ્લૅકમેઇલિંગની ધમકીનો ઉલ્લેખ કર્યો હતો. એવું પણ મનાય છે કે મહંતે આ નોટમાં ૧૪ વખત આનંદગિરિનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ, નિરંજની અખાડાના ચીફ રવિન્દ્ર પુરીએ એક મુલાકાતમાં દાવો કયોર઼્ છે કે મહંતને માથામાં ઈજા થઈ હતી અને સુસાઇડ-નોટ તેમણે નહોતી લખી.
એક અહેવાલ મુજબ મહંત તેમના શિષ્ય બલબીરગિરિને અખાડા પરિષદમાં પોતાના વારસદાર બનાવવા માગતા હતા.
દરમ્યાન નરેન્દ્રગિરિના મૃતદેહની ગઈ કાલે અઢી કલાક સુધી ચાલેલી ઑટોપ્સી પૂરી થયા બાદ સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
યોગી આદિત્યનાથે આખી ઘટનાની તપાસ માટે ૧૮ મેમ્બરોની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) નિયુક્ત કરી છે.

national news