વાજપેયીની જન્મજયંતીએ અટલ ભૂગર્ભ જલ યોજનાનો પ્રારંભ

26 December, 2019 11:41 AM IST  |  Mumbai Desk

વાજપેયીની જન્મજયંતીએ અટલ ભૂગર્ભ જલ યોજનાનો પ્રારંભ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ જલની સાથે રોહતાંગ પાસનું અટલ ટનલ નામકરણ પણ કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની આજે ૨૫ ડિસેમ્બરે ૯૫મી જન્મજયંતીએ અટલ ભૂગર્ભ જળ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો લાભ ગુજરાત સહિત સાત રાજ્યોના ૭૮ જિલ્લામાં આવેલાં ૮૩૫૦ ગામોમાં પીવાનાં પાણીની તંગીને દૂર કરવા ભૂગર્ભ જળને ઉપર લાવવામાં આર્થિક મદદનો લાભ થશે. વડા પ્રધાને તે સાથે જ મનાલીને લેહથી જોડતી સુરંગ ટનલનું અટલ ટનલ નામકરણ પણ કર્યું હતું. તેથી આજથી રોહતાંગ પાસ તરીકે ઓળખાતી આ ટનલ હવે ‘અટલ ટનલ’ તરીકે ઓળખાશે.
તેમણે કહ્યું કે આ યોજનાનો લાભ ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, મધ્ય પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને થશે. મંગળવારે ૬ હજાર કરોડની યોજનાને કૅબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આમાં ૩ હજાર કરોડની રકમ વર્લ્ડ બૅન્ક અને ૩ હજાર કરોડ કેન્દ્ર સરકાર આપશે. કેન્દ્ર સરકારે આ નિર્ણય ખેડૂતોની આવક બમણી કરવા માટે લીધો છે. આ યોજનામાં પાણી, પાણીની સલામતી અને પાણીના બજેટનો યોગ્ય ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવશે.
‘જળસંકટમાંથી બહાર આવવા માટે દરેક વ્યક્તિએ કામ કરવું પડશે’ એમ કહીને મોદીએ વધુમાં જણાવ્યું કે ‘અટલ જલ યોજના હોય કે જલજીવન મિશન સંબંધિત માર્ગદર્શિકા, ૨૦૨૪ સુધીમાં દેશના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે આ એક મોટું પગલું છે. પાણી ઘર, ખેતરો અને ઉદ્યોગના દરેકને અસર કરે છે. જળ સ્રોતની સ્થિતિ કોઈનાથી છૂપી નથી. આ આપણા બધા માટે ચિંતાનો વિષય છે. તે આપણા સપનાને સાકાર કરવાના લક્ષ્યને પણ પ્રભાવિત કરે છે. આ જળ કટોકટીને પહોંચી વળવા આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે.’
વડા પ્રધાનના જણાવ્યા અનુસાર સરકાર પાણીની સમસ્યાને પહોંચી વળવા પાંચ સ્તરે કામ કરી રહી છે. અમે ઉપલબ્ધ પાણીના યોગ્ય સંગ્રહ અને વિતરણ પર ધ્યાન આપ્યું છે. પાણીનાં દરેક ટીપાંના ઉપયોગની ખાતરી મળે તેવું આયોજન થઈ રહ્યું છે. અગાઉ પાણીના સંચાલનને લગતી કામગીરીને વિવિધ વિભાગોમાં વહેંચવામાં આવી હતી. આને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વિવાદ થયો હતો. તેના ઉપાય તરીકે જળશક્તિ નામે અલગ મંત્રાલયની રચના કરીને આ વિવાદનો અંત લાવવામાં સરકારને સફળતા મળી છે.
વડા પ્રધાનના જણાવ્યા મુજબ ‘શક્ય તેટલું પાણી બચાવવા માટે’ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી રિસાઇક્લિંગ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. શૌચાલયમાં કેટલું પાણી ફ્લશમાં જાય છે, તે ધ્યાનમાં રાખવું જોઈએ. આ બધાં કામ સ્ટાર્ટઅપ ક્ષેત્રની કંપનીના લોકો કરી શકે છે. મને ખાતરી છે કે આ એક એવી સિસ્ટમ વિકસાવશે જે ઓછામાં ઓછું પાણીનો ઉપયોગ કરશે. આપણી ખેતીમાં મોટાભાગનાં પાણીનો ઉપયોગ થાય છે. જો આપણે ત્યાં ઓછો ઉપયોગ કરીશું તો ઘણી અસર થશે. જૂની ખેતીની રીતથી ઘણા પાણીનો વ્યય થાય છે.
તેમણે કહ્યું કે સામાન્ય લોકોમાં એવી છાપ છે કે જ્યાં સુધી આખી ભરેલી ડોલથી ન નહાય ત્યાં સુધી જાણે કે નહાયા જ નથી એમ વિચારતા હોય છે. આવું જ ખેડૂતોને લાગે છે કે જ્યાં સુધી આખું ખેતર પાણીથી છલોછલ ન ભરાય ત્યાં સુધી ખેતી સારી નથી. પાણી જમીન માટે છે કે છોડ માટે, તે સમજાતું નથી. આ પણ ખેડૂતનો દોષ નથી. ખેડૂતોની આ માન્યતાને બદલવી પડશે.
કેન્દ્રીય કૅબિનેટે અટલ ભૂગર્ભ જળ યોજનાને મંજૂરી આપી હતી. જેનો હેતુ ભૂગર્ભ જળના અતિશય શોષણવાળા રાજ્યોમાં સમુદાયની ભાગીદારી સાથે ટકાઉ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન કરવાનો રહેલો છે.
મહત્ત્વનું છે કે એનઆઇટીઆઇ આયોગે પોતાના અહેવાલમાં કહ્યું છે કે ભૂગર્ભ જળનું સ્તર સતત ઘટતું રહ્યું છે તે દેશના સૌથી મોટા સંકટ તરીકે ૨૦૩૦ સુધીમાં ઊભરી આવશે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ અને રાજ્ય ભૂગર્ભ જળ વિભાગોના આંકડા મુજબ દેશમાં મૂલ્યાંકન થયેલ કુલ ૬૫૮૪ એકમો (બ્લૉક્સ, તાલુકા, મંડળ)માંથી ૧૦૩૪ એકમોને અત્યંત શોષણ એકમો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે જેને સામાન્ય રીતે ‘ડાર્ક ઝોન’ કહેવામાં આવે છે.
આ અગાઉ આજે બુધવારે મોદી વાજપેયીના સમાધિ સ્થળ ‘સદૈવ અટલ’ ખાતે પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

national news narendra modi