06 October, 2025 07:21 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નિર્મલા સીતારમણ
બૅન્કો અને વીમા-કંપનીઓ સહિતની આર્થિક સંસ્થાઓમાં જમા પડેલી આ રકમને હકદાર સુધી પહોંચાડવા સરકારે ઝુંબેશ શરૂ કરી
બૅન્કો, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI), વીમા-કંપનીઓ, મ્યુચ્યુઅલ ફન્ડ્સ, પ્રોવિડન્ટ ફન્ડ અકાઉન્ટ્સ અને અન્ય સંસ્થાઓ પાસે પડેલા આશરે ૧.૮૪ લાખ કરોડ રૂપિયા એમના મૂળ માલિકો સુધી પાછા પહોંચાડવાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.
૩ મહિના સુધી ચાલનારી આ ઝુંબેશનો કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે તેમણે કહ્યું હતું કે ‘આ રકમ સરકારી મિલકત નથી પણ વ્યક્તિઓ અને પરિવારોની છે. આ તેમના પૈસા છે.’
ઘણી વાર ખોવાયેલા દસ્તાવેજો, ભુલાઈ ગયેલી નીતિઓ અથવા જાગૃતિના અભાવને કારણે આવી રકમ ભેગી થાય છે એવું કહીને નાણાપ્રધાને જણાવ્યું હતું કે આ વૃક્ષ પર પાકેલા ફળ જેવું છે, જે પહોંચમાં છે પણ જેની પાસે છે એના હાથમાં આવતું નથી.
આ ઝુંબેશ ત્રણ લેવલ પર આધારિત છે : જાગૃતિ, ઍક્સેસ અને કાર્યવાહી. જાગૃતિ એટલે કે લોકોને દાવો ન કરાયેલાં આ નાણાં વિશે માહિતી આપવી, ઍક્સેસ એટલે RBIના UDGAM પોર્ટલ દ્વારા તેમને દાવો કરવા માટેની પહોંચ આપવી અને પછી એના પર કાર્યવાહી કરવામાં મદદ કરવી.