28 July, 2026 09:23 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીક કેસની સુનાવણી માટે રચાયેલી નવી ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં પ્રથમ દિવસે જ પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તરફથી કોઈ પણ વકીલ હાજર ન રહેતાં કોર્ટે એની ગંભીર નોંધ લીધી હતી. દિલ્હી હાઈ કોર્ટે પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) ઍક્ટ, 2024 હેઠળ કેસની ઝડપી સુનાવણી માટે વિશેષ જજ અનુ ગ્રોવર બાલિગાની અદાલતને સ્પેશ્યલી ડેઝિગ્નેટેડ ફાસ્ટ ટ્રૅક કોર્ટ તરીકે નિયુક્ત કરી છે.
સોમવારે જજ આરોપીઓ દિનેશ બિવાલ અને વિકાસ બિવાલની જામીનઅરજી પર સુનાવણી કરી રહ્યા હતા. સવારે ૧૦.૪૫ વાગ્યા સુધી તપાસ-એજન્સી કે સરકાર પક્ષે કોઈ વકીલ હાજર થયો નહોતો. બચાવ પક્ષના વકીલે પણ રોહિણી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અન્ય કેસ હોવાથી સમય માગતાં કોર્ટે આ મામલાની સુનાવણી ૩ ઑગસ્ટ સુધી મુલતવી રાખી હતી.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર-લીકના કેસોમાં ત્વરિત ન્યાય માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવાની જાહેરાત કરી હતી. એ અંતર્ગત શનિવારે જજ અનુ ગ્રોવર બાલિગાએ ચાર્જ સંભાળ્યો હતો. CBIની ગેરહાજરી બાદ કોર્ટે ડિરેક્ટરેટ ઑફ પ્રોસિક્યુશનને કોર્ટ માટે તાત્કાલિક સરકારી વકીલ નીમવાની સૂચના આપી છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય વિપક્ષી સંસદસભ્યોએ ૨૦ જુલાઈએ NEET-UG પેપર-લીક સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસના બળપ્રયોગ સામે સંસદના પરિસરમાં મોરચો માંડ્યો હતો. સંસદના મકરદ્વાર પાસે એકઠા થયેલા વિપક્ષી નેતાઓએ ગૃહપ્રધાન અમિત શાહ પાસે આ મામલે જવાબની માગણી કરી હતી. વિપક્ષી સંસદસભ્યોના હાથમાં એક મોટું બૅનર હતું જેના પર ‘વોટચોરી, પેપરચોરી, ચંદાચોરી’ જેવાં આકરાં સૂત્રો લખેલાં હતાં. આ ઘટનાને પગલે સંસદના પરિસરમાં મોડે સુધી રાજકીય વાતાવરણ ગરમાયેલું રહ્યું હતું.