સરકાર સંસદના આગામી સત્રમાં MSP પર પણ વિચાર કરશે: રામદાસ આઠવલે

22 November, 2021 07:31 PM IST  |  Varanasi | Gujarati Mid-day Online Correspondent

સરકાર લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદો બનાવવાની માગને પણ સ્વીકારે તેવી શક્યતા છે.

ફાઇલ ફોટો

ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત બાદ ખેડૂતોને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. સરકાર લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદો બનાવવાની માગને પણ સ્વીકારે તેવી શક્યતા છે. મોદી સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય પ્રધાન રામદાસ આઠવલેએ સોમવારે કહ્યું કે ખેડૂતોએ આંદોલન પાછું લઈને પોતાના ઘરે પાછા ફરવું જોઈએ. સંસદના આગામી સત્રમાં સરકાર MSP પર વિચાર કરશે અને અર્થપૂર્ણ પગલાં લેશે.

શુક્રવારે પીએમ મોદીએ ગુરુ પર્વના અવસર પર ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી પણ, ખેડૂતોએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરતા, એમએસપી પરના કાયદા સહિતની છ મુદ્દાની માગણીઓ પર અડગ છે. સોમવારે લખનઉમાં ખેડૂતોએ મહાપંચાયત યોજી હતી. આમાં પણ એમએસપી પર કાયદો બનાવવાની માગ જોરશોરથી ઊઠી હતી.

આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન આઠવલેએ વારાણસીમાં કહ્યું છે કે “વડાપ્રધાને ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા છે. સંસદના આગામી સત્રમાં સરકાર MSP પર વિચાર કરશે અને અર્થપૂર્ણ પગલાં પણ ઉઠાવશે, જે તમામ ખેડૂતોના હિતમાં હશે.” રામદાસ આઠવલે એક દિવસીય પ્રવાસ પર તેમની પાર્ટી રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાના સંમેલનમાં હાજરી આપવા વારાણસી પહોંચ્યા છે. સર્કિટ હાઉસ ખાતે મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મૂળ મંત્ર સબ કા સાથ સબ કા વિકાસ યોજના હેઠળ દરેક વર્ગના વિકાસ માટેની યોજનાઓ શરૂ કરી છે. તે યોજનાઓ દ્વારા વંચિત, દલિત, ખેડૂતો સહિત તમામ વર્ગોને પણ લાભ આપવામાં આવી રહ્યો છે.”

તેમણે કહ્યું કે “કેટલાક નેતાઓએ ખેડૂતોના હિત માટે સરકારે બનાવેલા ત્રણ કાયદાઓ પર રાજનીતિ કરવાનું શરૂ કર્યું હતું, જેના કારણે મૂંઝવણ સર્જાઈ હતી. સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં વિચારે છે, જેથી તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે, તેથી આ કાયદો પાછો ખેંચવામાં આવ્યો છે. હવે તેમની આર્થિક સ્થિતિ અને સુરક્ષાને મજબૂત કરવા માટે પણ અલગથી વિચારણા કરાશે.

national news ramdas athawale