રસીકરણ અભિયાન માટે મતદારોની માહિતી સરકારને આપશે ચૂંટણીપંચ

16 January, 2021 12:52 PM IST  |  New Delhi | Agency

રસીકરણ અભિયાન માટે મતદારોની માહિતી સરકારને આપશે ચૂંટણીપંચ

પ્રતીકાત્મક તસવીર

મતદાનમથકોના સંદર્ભે તૈયાર કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ કોરોના પ્રતિકારક રસીકરણ અભિયાનમાં ટાર્ગેટ ગ્રુપ્સની તારવણી માટે કરવાની ચૂંટણીપંચે છૂટ આપી છે, પરંતુ વૅક્સિનેશન ડ્રાઇવ પૂરી થઈ ગયા પછી એ ડેટા ડિલીટ કરવાની તાકીદ પણ ચૂંટણીપંચના અમલદારોએ કરી છે. ચૂંટણીપંચે રસીકરણ અભિયાનમાં મદદરૂપ થવા સાથે ડેટા સિક્યૉરીટીની શરતો મૂકી હતી.

કેન્દ્ર સરકારના ગૃહસચિવ અજય ભલ્લાએ ગઈ ૩૧ ડિસેમ્બરે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાને પત્ર લખીને મતદાનમથકોના સ્તરે ૫૦ વર્ષથી વધારે ઉંમરના નાગરિકોને અલગ તારવવા માટે ચૂંટણીપંચની મદદ માગી હતી. ગૃહમંત્રાલય ડેટા સિક્યૉરિટી માટે શ્રેષ્ઠ અને જડબેસલાક વ્યવસ્થા રાખતું હોવાનું અજય ભલ્લાએ જણાવ્યું હતું. તેમણે ચૂંટણીપંચ તરફથી પ્રાપ્ત થનારા ડેટાનો ઉપયોગ ફક્ત વૅક્સિનેશન ડ્રાઇવ માટે કરવાની બાંયધરી આપી છે.

અજય ભલ્લાના પત્રના જવાબમાં ચૂંટણીપંચે ગઈ ૪ જાન્યુઆરીએ પત્ર લખીને જણાવ્યું હતું કે ‘અમે વૅક્સિનેશન ડ્રાઇવમાં પૂર્ણ સહયોગ આપીશું, પરંતુ તમને જે ડેટા આપવામાં આવે એનો ઉપયોગ જે હેતુ દર્શાવવામાં આવ્યો છે એને માટે જ કરવો જોઈએ. વૅક્સિનેશન ડ્રાઇવ પૂરી થયા પછી એ ડેટા ડિલીટ કરવો જરૂરી છે.’

national news new delhi coronavirus covid19