કૉન્ગ્રેસે પીઠમાં છૂરી ભોંકી છે એમ કહીને DMKએ વિપક્ષોના ગઠબંધનથી છેડો ફાડ્યો

08 May, 2026 09:09 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસે પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે અમે તો માત્ર જનાદેશનું સન્માન કર્યું છે

પ્રતીકાત્મક તસવીર

તામિલનાડુની રાજનીતિમાં ગઈ કાલે એક બીજો નાનકડો ભૂકંપ થયો હતો. દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK)એ કૉન્ગ્રેસ પાર્ટી પર વિશ્વાસઘાતનો આરોપ લગાવીને લાંબા સમયથી ચાલી આવતા બે પાર્ટીઓના ગઠબંધને પૂરી રીતે તૂટેલું જાહેર કર્યું હતું. 

વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત ન મળતાં કૉન્ગ્રેસે TVK સાથે મળીને સરકાર બનાવવાનો રસ્તો પસંદ કરી લીધો એનાથી નારાજ થઈને DMKના વરિષ્ઠ નેતા TKS ઍલંગોવનને કૉન્ગ્રેસ પર તીખા પ્રહાર કરીને કહ્યું હતું કે ‘હવે સમગ્ર ગઠબંધન ખતમ થઈ ગયું. કૉન્ગ્રેસે લાંબા સમયની સહયોગી પાર્ટીની પીઠમાં ખંજર ભોંક્યું છે. BJP જે રીતે બીજાં રાજ્યોમાં કરે છે એ જ રીતે કૉન્ગ્રેસે તામિલનાડુમાં DMK સાથે કર્યું છે.’

આ બેઠકમાં DMKના નેતા એમ. કે. સ્ટૅલિને કહ્યું હતું કે ‘બદલાતી રાજકીય સ્થિતિ અનુસાર ડાબેરી પક્ષો CPI, CPI-M અને VCK પણ હવે પોતાનો નિર્ણય અલગથી લઈ શકે છે. DMK એમને કોઈ નિર્ણય લેવા માટે મજબૂર નહીં કરે.’

બચાવમાં કૉન્ગ્રેસે શું કહ્યું?

કૉન્ગ્રેસે પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે અમે તો માત્ર જનાદેશનું સન્માન કર્યું છે. પાર્ટીના સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ધર્મનિરપેક્ષ સરકાર બનાવવા અને BJP અને એની સહયોગી સાંપ્રદાયિક તાકાતોને સત્તાથી દૂર રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું.

national news india congress dmk political news indian politics