એઇમ્સના ડિરેક્ટરે કહ્યું, જાન્યુઆરીમાં ભારતમાં મળશે કોરોનાની વૅક્સિન

04 December, 2020 03:00 PM IST  |  New Delhi | Agencies

એઇમ્સના ડિરેક્ટરે કહ્યું, જાન્યુઆરીમાં ભારતમાં મળશે કોરોનાની વૅક્સિન

એઇમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા

બ્રિટનમાં ફાઇઝરની કોરોના રસીને તાત્કાલિક મંજૂરી મળ્યાના એક દિવસ બાદ એઇમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ભારતમાં પણ ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં કે જાન્યુઆરીની શરૂઆતમાં કોરોના વૅક્સિન આવવાની આશા વ્યક્ત કરી છે. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ‘ભારતમાં હવે આપણી પાસે એવી રસી છે જે એની છેલ્લી ટ્રાયલમાં છે. એવી આશા છે કે આ મહિનાના અંત સુધીમાં કે આવતા મહિનાની શરૂઆતમાં આને તાત્કાલિક મંજૂરી મળી શકે. ત્યાર બાદ રસીકરણ શરૂ કરી શકાશે.’
ભારતમાં હાલમાં પાંચ ફાર્મા કંપનીઓની કોરોનાની રસીનું અંતિમ પરીક્ષણ ચાલી રહ્યું છે, જેમાં સૌથી પહેલું નામ પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની વૅક્સિન કોવિશીલ્ડનું છે. આ રસી બનાવનાર ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ૨૩ નવેમ્બરે આ રસી ૭૦થી ૯૦ ટકા અસરકારક હોવાનો દાવો કર્યો હતો. નવી દિલ્હીના એઇમ્સના ડિરેક્ટરે કહ્યું હતું કે શરૂઆતમાં કોરોનાની રસી પર્યાપ્ત માત્રામાં નહીં હોય એથી કોરોનાને કારણે જેમના મૃત્યુની સંભાવના વધુ હશે એવા સિનિયર સિટિઝન અને ફ્રન્ટલાઇન વર્કર્સને આ રસી પહેલાં આપવામાં આવશે.

national news coronavirus covid19