20 April, 2026 10:23 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લોકસભામાં મહિલા અનામત બિલ અને એની સાથે સંકળાયેલા અન્ય બે ખરડાઓ પસાર કરવામાં મળેલી નિષ્ફળતા છતાં કેન્દ્રની નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) સરકાર આ મુદ્દે પીછેહઠ કરવાના મૂડમાં નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ‘નારી શક્તિ’ના સશક્તીકરણ માટે ૨૦૨૯ની ચૂંટણી પહેલાં ૩૩ ટકા મહિલા અનામત લાગુ કરવા માટે મક્કમ છે અને આ માટે અન્ય કાયદાકીય માર્ગો શોધવા માટે હિતધારકો સાથે ચર્ચાઓ શરૂ કરી દેવામાં આવી છે.
સરકારી સૂત્રોએ આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘દેશની અડધી વસ્તી ધરાવતી મહિલાઓને સશક્ત બનાવવાની સરકારની નેમ છે. વિપક્ષની કોઈ પણ રણનીતિ નારી શક્તિની આ કૂચને રોકી શકશે નહીં.’
જો આ સુધારો પસાર થઈ ગયો હોત તો ૨૦૨૯ની સામાન્ય ચૂંટણીઓથી મહિલા અનામતનો અમલ શરૂ થઈ ગયો હોત. હાલમાં સરકાર આ બિલને ફરીથી સંસદની ટેસ્ટમાં સફળ બનાવવા માટે વૈકલ્પિક રસ્તાઓ પર વિચારણા કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે હાલ લોકસભામાં NDA પાસે ૫૪ ટકા (૨૯૩ સંસદસભ્યો) અને રાજ્યસભામાં ૫૮ ટકા (૧૪૧ સભ્યો)નું સમર્થન છે, પરંતુ બંધારણીય સુધારા માટે જરૂરી વિશેષ બહુમતી મેળવવા માટે અન્ય પક્ષોના સહયોગની આવશ્યકતા છે.
યુનાઇટેડ નેશન્સના એક રિપોર્ટ મુજબ આફ્રિકાના દેશ રવાન્ડાની સંસદમાં મહિલાઓની ભાગીદારી ૬૪ ટકા છે, જ્યારે ક્યુબા અને નિકારાગુઆમાં આ આંકડો અનુક્રમે ૫૭ અને પંચાવન ટકા છે. યુરોપના દેશ એન્ડોરા, મેક્સિકો તથા યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં મહિલાઓની ભાગીદારી ૫૦ ટકા છે. ન્યુ ઝીલૅન્ડમાં આ આંકડો ૪૯.૨, આઇસલૅન્ડમાં ૪૭.૬, અમેરિકામાં ૨૮.૨, યુનાઇટેડ કિંગડમમાં ૨૮.૬ અને ફ્રાન્સમાં ૩૭.૬ ટકા છે. આમ ફક્ત ૭ દેશોમાં સંસદના સિંગલ કે લોઅર હાઉસમાં ૫૦ ટકા કે એથી વધુ મહિલાઓ છે.
૨૦૩૦ સુધીમાં ટકાઉ વિકાસ-લક્ષ્યો હાંસલ કરવા માટે રાજકીય અને જાહેર જીવનમાં મહિલાઓની સમાન ભાગીદારી અને નેતૃત્વ આવશ્યક છે. જોકે ડેટા દર્શાવે છે કે વિશ્વભરમાં નિર્ણય લેવાના તમામ સ્તરે મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું છે અને રાજકીય જીવનમાં લિંગ સમાનતા પ્રાપ્ત કરવી ખૂબ દૂર છે.