કેન્દ્ર સરકારે GSTની આવકમાંની તૂટ સરભર કરવા રાજ્યોને બે વિકલ્પ આપ્યા

28 August, 2020 12:52 PM IST  |  Mumbai | Agencies

કેન્દ્ર સરકારે GSTની આવકમાંની તૂટ સરભર કરવા રાજ્યોને બે વિકલ્પ આપ્યા

પ્રતીકાત્મક તસવીર

ચાલુ નાણાકીય વર્ષમાં ગુડ્સ ઍન્ડ સર્વસિસ ટૅક્સ (જીએસટી)ની આવકમાં ૨.૩૫ લાખ કરોડ રૂપિયાની તૂટ પડવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. એ તૂટ સરભર કરવા માટે રાજ્ય સરકારોને ધિરાણના બે વિકલ્પ કેન્દ્ર સરકારે આપ્યા છે. એ વિકલ્પો વિશે વિચારણા કરવા રાજ્યોને ૭ દિવસનો સમય આપવામાં આવ્યો છે.
દેશનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે જીએસટી કાઉન્સિલની બેઠક પછી પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે ‘રોગચાળાની અસાધારણ આફતની અસર અર્થતંત્ર પર થાય એ સ્વાભાવિક છે. એને કારણે અર્થતંત્ર સંકોચાય અને દબાણ પણ આવશે. કેન્દ્ર સરકારના અંદાજ મુજબ રાજ્યોને ત્રણ લાખ કરોડ રૂપિયાના કમ્પેન્સેશનની જરૂર પડે એમ છે. એમાંથી ૬૫,૦૦૦ કરોડ રૂપિયા જીએસટી રિજાઇમ પર લાદવામાં આવેલી સેસ (ઉપકર) દ્વારા પ્રાપ્ત થશે, એથી એકંદરે ૨.૩૫ લાખ કરોડ રૂપિયાની તૂટ પડવાનો અંદાજ રાખવામાં આવે છે.’
કેન્દ્રના મહેસૂલસચિવ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે ‘ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી દ્વારા આવકમાં ૯૭,૦૦૦ કરોડ રૂપિયાની ઘટ પડશે. બાકીની રકમની તૂટ કોરોના રોગચાળાને કારણે પડવાનો અંદાજ રાખવામાં આવે છે. રિઝર્વ બૅન્કની સલાહ અનુસાર રાજ્યો માટે સ્પેશ્યલ વિન્ડો તૈયાર કરવામાં આવી છે. પ્રથમ વિકલ્પમાં ૯૭,૦૦૦ કરોડ રૂપિયાની તૂટ સરભર કરવા માટે ઓછા વ્યાજદરે સંબંધિત અપેક્ષિત રકમનું ધિરાણ મેળવી શકાશે. એ રકમ જીએસટી લાગુ કર્યાનાં પાંચ વર્ષ એટલે કે ૨૦૨૨ પછી પાછી ચૂકવી શકાશે. જીએસટી-સેસ દ્વારા થતી આવકની રકમ દ્વારા ધિરાણની રકમ પાછી ચૂકવી શકાશે. બીજા વિકલ્પમાં રાજ્યોને સ્પેશ્યલ વિન્ડોની જોગવાઈ હેઠળ ૨.૩૫ લાખ કરોડ રૂપિયાની ખોટમાં રાજ્યની સંબંધિત રકમનું ધિરાણ લેવાનો છે.’

national news goods and services tax