બજેટ દેશની હાલની જરૂરિયાતો અને ભવિષ્યની અપેક્ષાઓ પૂર્ણ કરશેઃ મોદી

02 February, 2020 10:17 AM IST  |  New Delhi

બજેટ દેશની હાલની જરૂરિયાતો અને ભવિષ્યની અપેક્ષાઓ પૂર્ણ કરશેઃ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વર્ષ ૨૦૨૦-૨૦૨૧નું બજેટ દેશની હાલની જરૂરિયાતો અને આ દાયકાની ભાવિ અપેક્ષાઓ પૂર્ણ કરનારું હોવાનો આત્મવિશ્વાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો હતો. ગઈ કાલે કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં ૯૦મું બજેટ રજૂ કર્યા પછી અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘આ બજેટ આવક અને મૂડીરોકાણ તેમ જ માગ અને વપરાશમાં વૃદ્ધિ સાથે નાણાકીય તંત્ર અને ધિરાણોના પ્રવાહને વેગવાન બનાવશે એવો મને આત્મવિશ્વાસ છે. આ બજેટમાં વિદેશી મૂડીરોકાણને આકર્ષવા માટે કેટલીક રાહતો પણ આપવામાં આવી છે.’

વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘સ્ટાર્ટઅપ્સ અને રિયલ એસ્ટેટ સેક્ટર માટે કરવેરામાં રાહતો આપવામાં આવી છે. બૉન્ડ માર્કેટને મજબૂત બનાવવા અને મૂળભૂત માળખાકીય સુવિધાઓની યોજનાઓ માટે નાણાપ્રવાહ વધારવાનાં પગલાં પણ લેવાયાં છે. આવાં પગલાં અર્થતંત્રને વેગપૂર્વક બળવાન બનાવશે અને રોજગારીના નવા અવસરો ઉપલબ્ધ કરાવશે. દેશનાં ૧૦૦ વિમાનમથકોને વિકસાવવાનું લક્ષ્ય પર્યટન ક્ષેત્ર માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે એ દિશામાં સક્રિયતાને પગલે ઓછા મૂડીરોકાણ દ્વારા રોજગાર અને આવકમાં વૃદ્ધિની શક્યતાઓ વધશે.’

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું બજેટ એક નવું અને આત્મવિશ્વાસથી ભર્યું ભારત દર્શાવે છે. આશાસ્પદ, સક્રિય અને પ્રગતિશીલ બજેટ આગામી વર્ષોમાં દેશને પ્રગતિના પંથે લઈ જશે. બજેટમાં સમાજના તમામ વર્ગના વિશેષ કરીને ખેડૂતોના વિકાસ અને હિત પર ધ્યાન આપવામાં આવ્યું છે. બજેટમાં જાહેર કરવામાં આવેલાં પગલાંઓ વિકાસમાં વૃદ્ધિ કરશે તેમ જ નવા રોજગારનું સૃજન કરશે. નવી કર પ્રણાલીથી સામાન્ય માનવી પરનો વેરાનો બોજ હળવો થશે. બજેટ રોકાણલક્ષી નથી, પરંતુ લાંબા ગાળે ખેડૂતોની આવક બમણી કરશે. બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય, પાણી, કૌશલ વિકાસ જેવા મુદ્દાઓ પર વ્યૂહાત્મક ફાળવણી કરવામાં આવી છે.

- રાજનાથ સિંહ, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન

કેન્દ્રીય બજેટ ખેડૂતોની આવક બમણી કરશે તથા કરદાતાઓને વિશેષ કરીને મધ્યમવર્ગી તથા પગારદાર વર્ગના લોકોને અભૂતપૂર્વ રાહત પહોંચાડશે. ૧૦૦ લાખ કરોડ રૂપિયાના ખર્ચે વૈશ્વિક સ્તરનાં હાઇવે, રેલવે, બંદરો, ઍરપોર્ટ્સ અને મેટ્રો બાંધવામાં આવશે. કર વ્યવસ્થાને હળવી બનાવવા, મૂળભૂત માળખાકીય સગવડોને ઉત્તેજન આપવા, બૅન્કિંગ વ્યવસ્થાને મજબૂત બનાવવા, મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા, બિઝનેસ કરવો સરળ બનાવવા માટે બજેટમાં મોદી સરકારે અસરકારક પગલાં લીધાં છે જે મોદી સરકારના ભારતને પાંચ ટ્રિલિયનના અર્થતંત્ર તરીકે વિકસાવવાના સ્વપ્નને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.

- અમિત શાહ, કેન્દ્રીય ગૃહપ્રધાન, બીજેપી

દેશનું અર્થતંત્ર ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે એ વાતને નકારી મોદી સરકારે અર્થતંત્રને બેઠું કરવાના, વિકાસ દરમાં વૃદ્ધિ લાવવાના કે રોજગારનું સૃજન કરવાના પ્રયાસો છોડી દીધા છે. વિકાસ દર વધે એવું આ બજેટમાં કાંઈ નથી તેમ છતાં સરકાર આગામી વર્ષે ૬થી ૬.૫ ટકા વૃદ્ધિ દરનો દાવો કરે છે. બજેટમાં અનેક થીમ, હિસ્સા અને કાર્યક્રમો હતા જેણે સાંભળનારાઓને મૂંઝવણમાં મૂકી દીધા હતા. આ વર્ષના બજેટમાં જૂના (એટલે કે હાલના) કાર્યક્રમોને નવા વાઘા પહેરાવવામાં આવ્યા છે.

- પી. ચિદમ્બરમ, કૉન્ગ્રેસી નેતા, ભૂતપૂર્વ નાણાપ્રધાન

એલઆઇસીના શૅર્સનું આઇપીઓ દ્વારા આંશિક વેચાણ કરવાની બજેટમાં કરવામાં આવેલી દરખાસ્ત જાહેર સંસ્થાની પરંપરા અને સંસ્કૃતિનો નાશ કરનારી યોજના છે. કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની સંસ્થાની પરંપરા અને સંસ્કૃતિના વારસાને આમ કઈ રીતે ખતમ કરી શકે? વાસ્તવમાં આ સુરક્ષાનો અંત છે. ૧૯૫૬માં સ્થાપના કરાયેલી એલઆઇસી કેન્દ્ર સરકારની સંપૂર્ણ માલિકીની કંપની છે અને દેશના વીમા ક્ષેત્રમાં સૌથી મોટો બજાર હિસ્સો ધરાવે છે.

- મમતા બૅનરજી, મુખ્ય પ્રધાન, પશ્ચિમ બંગાળ

કેન્દ્રીય બજેટમાં દેશની મુખ્ય સમસ્યા બેરોજગારીને દૂર કરવા માટે કોઈ નક્કર કે વ્યૂહાત્મક આઇડિયા સામેલ કરાયા નથી, જે દેશના યુવાઓને રોજગાર અપાવવામાં મદદ કરી શકે. સરકાર દ્વારા કરવામાં આવેલી વાતો માત્ર તેમનો ખોખલો અભિગમ છતો કરે છે. બજેટમાં ઘણી નિરર્થક વાતો સામેલ કરાઈ છે, અનેક વાતોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે.

- રાહુલ ગાંધી, કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ

કેન્દ્રીય બજેટ વિકાસલક્ષી છે, જે રોજગારના સૃજનમાં મદદરૂપ બનશે, ખેડૂતોના હિત ધરાવતું અને વિકાસને ગતિ આપનારું તેમ જ દેશના અર્થતંત્રને મજબૂત બનાવનારું બજેટ. દેશમાં મૂળભૂત માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં, ખેડૂતોના વિકાસમાં યુવાઓને રોજગાર અને દેશમાં આરોગ્યક્ષી સુવિધાઓ વધુ સારી બનાવવામાં બજેટ સીમાચિહ્નરૂપ સાબિત થશે.

- યોગી આદિત્યનાથ, મુખ્ય પ્રધાન, ઉત્તર પ્રદેશ

બજેટમાં રાજકોષીય ખાધ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ૩.૮ ટકાથી સહેજ ઘટાડીને નાણાકીય વર્ષ ૨૦૨૧માં ૩.૫ ટકા કરવામાં આવી છે, પરંતુ વિકાસમાં સતત મંદી અને વેરામાં કપાતને કારણે કુલ આવકનો લક્ષ્યાંક હાંસલ કરવો મુશ્કેલ રહેતાં વર્ષ ૨૦૨૦-૨૧માં અંદાજિત રાજકોષીય ખાધ ૩.૫ ટકાએ સ્થિર રહેશે. વિકાસને અસર પહોંચાડ્યા વિના ખર્ચ ઘટાડવા માટે સરકાર પાસે વિશેષ અવકાશ નથી. સરકાર મધ્યમ-ગાળાના રાજકોષીય એકત્રીકરણ માટે કટિબદ્ધ હોઈ નજીકના ભવિષ્યમાં પબ્લિક ફાઇનૅન્સમાં મજબૂતી આવવાની શક્યતા ઓછી રહેશે. આ ઉપરાંત ઋણબોજમાં સહેજ વૃદ્ધિની અસર જીડીપીના દર પર જોવા મળશે.

- મૂડીઝ, રેટિંગ એજન્સી.

‘૨૦૨૦-૨૦૨૧ના બજેટને કારણે બિઝનેસ ગ્રુપ્સમાં ભારતમાં મૂડીરોકાણ માટે ઉત્સાહ અને જોમ વધ્યા છે. ૨૧થી ૨૪ જાન્યુઆરી સુધી સ્વિટઝરલૅન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની ૫૦મી વાર્ષિક બેઠક વેળા અને ઉદ્યોગ મંત્રાલયમાં બિઝનેસ ગ્રુપ્સ સાથે ચર્ચામાં ભારતમાં મૂડીરોકાણ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. એ બિઝનેસ ગ્રુપ્સ ભારતને મોટા મૂડીરોકાણની શક્યતાઓ અને મોકળાશ ધરાવતો દેશ માને છે. ’

- પીયૂષ ગોયલ, કેન્દ્રના વાણિજ્ય, ઉદ્યોગ અને રેલવે ખાતાના પ્રધાન

મુંબઈ તેમ જ મહારાષ્ટ્ર કેન્દ્રને સૌથી વધુ કરવેરા ચૂકવે છે તેમ છતાં બજેટમાં તેમની ઉપેક્ષા કરવામાં આવી છે. સરકારે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ માટે કૃષિ ક્ષેત્રનો વિકાસ ૧૧ ટકા જેટલો હોવો જોઈએ. જ્યારે કે હાલનો વિકાસ દર બે ટકા કરતાં વધુ વધ્યો નથી. તો બમણો કઈ રીતે થશે? મોદી સરકાર માત્ર લલચામણી જાહેરાતો જ કરે છે.

- બાલાસાહેબ થોરાત, મહારાષ્ટ્રના મહેસૂલ ખાતાના પ્રધાન અને કૉન્ગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ

શૅરબજારમાં તરત જ મળતા નકારાત્મક પ્રતિભાવો આની સાક્ષી પૂરે છે. હાલના જીડીપીના આંકડાઓ સરકારના પાંચ ટ્રિલિયન અમેરિકી ડૉલરના અર્થતંત્રનો દાવાને સપોર્ટ કરતા નથી. સરકારે અગાઉ ૧૦૦ સ્માર્ટ સ‌િટીની જાહેરાત કરી હતી એમાં કાંઈ હાંસલ નથી કરી શકાયું એવા સંજોગોમાં પાંચ નવી સ્માર્ટ સિટીની જાહેરાતનો શો અર્થ છે? બીજેપીએ વોટબૅન્કના રાજકારણથી ઉપર ઊઠીને સામાન્ય માનવીની આર્થિક સમૃદ્ધિ માટે નક્કર પગલાં લેવાં જોઈએ.

- મહેશ તાપસે, એનસીપીના પ્રવક્તા

national news budget 2020 railway budget nirmala sitharaman