12 September, 2025 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંભવ ફોન
ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂર દરમ્યાન વૉટ્સઍપ જેવી વિદેશી ઍપ્લિકેશન્સનો ઉપયોગ નહોતો કર્યો એવું સેનાના વડા ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું. ૯ સપ્ટેમ્બરે દિલ્હીમાં એક ઇવેન્ટમાં ભાષણ આપતાં તેમણે કહ્યું હતું કે ‘ઑપરેશનમાં જાસૂસીનો ખતરો હતો. એ માટે સેનાના અધિકારીઓએ સમગ્ર ઑપરેશન દરમ્યાન ભારતમાં જ બનેલા સ્વદેશી સંભવ (SAMBHAV-સિક્યૉર આર્મી મોબાઇલ ભારત વર્ઝન) ફોનનો ઉપયોગ કર્યો હતો. સંભવ ફોનને 5G ટેક્નૉલૉજી અને મજબૂત એન્ક્રિપ્શન સાથે બનાવવામાં આવ્યો છે. સેનાના વડાએ આ પગલાને ભારતની આત્મનિર્ભરતાની દિશામાં અને સૈન્ય-સંચાર સુરક્ષા માટે એક મહત્ત્વનું પગલું ગણાવ્યું હતું.
કેવો છે સેનાનો સંભવ ફોન?
લેટેસ્ટ ટેક્નૉલૉજીથી સજ્જ સંભવ ફોનમાં વૉટ્સઍપ જેવી જ M-Sigma નામની ઍપ્લિકેશન છે જે સંપૂર્ણ સુરક્ષિત છે. આ ઍપથી સૈન્યના અધિકારીઓ ફોટો, વિડિયો તેમ જ ડૉક્યુમેન્ટ્સ શૅર કરી શકે છે. ૨૦૨૪થી શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી ૩૦,૦૦૦થી વધુ ફોન સૈન્યના અધિકારીઓને આપવામાં આવ્યા છે. જીઓ અને ઍરટેલ નેટવર્ક પર કામ કરતા આ ફોનમાં તમામ જરૂરી નંબરો પહેલેથી જ સેવ હોય છે એટલે એમાં મૅન્યુઅલી નંબર સેવ કરવાની પણ જરૂર નથી પડતી. નેટવર્કમાં ખામી આવે તો પણ સંભવના તમામ ફોન કનેક્ટેડ રહે છે.