છોકરીના ઘરમાં ટૉઇલેટ નહોતું એટલે લગ્નસંબંધ તોડ્યો

05 December, 2014 04:44 AM IST  | 

છોકરીના ઘરમાં ટૉઇલેટ નહોતું એટલે લગ્નસંબંધ તોડ્યો



ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના એક ગામની છોકરીના ઘરમાં ટૉઇલેટ ન હોવાથી વરપક્ષના લોકોએ લગ્નસંબંધ તોડી નાખ્યો હતો એટલું જ નહીં, કન્યાપક્ષ અને જાનૈયાઓ વચ્ચે આ મુદ્દે જોરદાર મારામારી પણ થઈ હતી ટોઇલેટના મુદ્દે સર્જાયેલા વિવાદમાં કન્યાને લીધા વિના જાન પાછી ફરી હતી.

મિર્ઝાપુર જિલ્લાના વિંધ્યાચલ થાણા હેઠળના ભાતેવારા ગામમાં બુધવારે આ ઘટના બની હતી. છોકરીના ઘરમાં ટૉઇલેટ ન હોવાને કારણે વરરાજાએ તેમના ભાવિ સસરાને થપ્પડ ઠોકી દીધી હતી એટલે રોષે ભરાયેલી કન્યાએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો અને પંચાયત મારફતે ફેંસલાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વરપક્ષ તરફથી કન્યાપક્ષને એક લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા ત્યારે આ વિવાદનો અંત આવ્યો હતો.
ભાતેવારા ગામના એક રહેવાસીની દીકરીનાં લગ્ન માટે જાન મંગળવારે રાતે આવી હતી. જાનમાં અનેક મહિલાઓ પણ હતી. મહિલાઓએ ટૉઇલેટની સુવિધા માટે પૂછપરછ કરતાં ખબર પડી હતી કે કન્યાના ઘરની મહિલાઓ તો ખેતરમાં જ શૌચક્રિયા કરવા જાય છે. તેમના ઘરમાં ટૉઇલેટ નથી એ જાણીને ગુસ્સે ભરાયેલા વરરાજાએ ભાવિ સસરાને થપ્પડ ઠોકી દીધી હતી.

આ ધમાચકડીમાં કન્યાના પરિવારજનોએ સ્થાનિક લોકોની મદદથી જાનૈયાઓને બંધક બનાવ્યા હતા અને દહેજમાં આપેલાં નાણાં પાછાં આપવાની માગણી કરી હતી. એ પછી પોલીસ આવી અને બન્ને પક્ષના લોકોને પોલીસ-ચોકીમાં લઈ ગઈ હતી. પોલીસચોકીમાં બુધવારે આખો દિવસ પંચાયત ચાલ્યા બાદ સાંજે વરપક્ષે કન્યાપક્ષને દહેજના પૈસા પાછા આપી દીધા હતા અને વરપક્ષે ચડાવેલાં ઘરેણાં કન્યાપક્ષે પરત કરી દીધાં હતાં.