દેશની ટૉપ ટેન ઇન્ટરનેશનલ ને ડે સ્કૂલમાં સામેલ છે મુંબઈની પાંચ

28 September, 2012 05:59 AM IST  | 

દેશની ટૉપ ટેન ઇન્ટરનેશનલ ને ડે સ્કૂલમાં સામેલ છે મુંબઈની પાંચ



દેશની ૪૪૩ ટોચની સ્કૂલોના સર્વે તથા ૩૦૦૦થી વધુ પેરન્ટ્સ, ટીચર્સ અને શિક્ષણશાસ્ત્રીઓના અભિપ્રાયને આધારે તૈયાર કરવામાં આવેલી દેશની ટૉપ-ટેન ડે સ્કૂલની યાદીમાં મુંબઈના ફોર્ટમાં આવેલી કૅથીડ્રલ ઍન્ડ જૉન કોનન સ્કૂલ તથા ગુડગાંવની શ્રીરામ સ્કૂલ ત્રીજા નંબરે છે. જ્યારે દિલ્હીની વસંત વૅલી સ્કૂલ પ્રથમ ક્રમે અને બૅન્ગલોરની ધ વૅલી સ્કૂલ બીજા નંબરે છે. શિક્ષણક્ષેત્રના ભારતના સૌથી મોટા મૅગેઝિન એજ્યુકેશન વર્લ્ડ દ્વારા આ યાદી બહાર પાડવામાં આવી હતી. મૅગેઝિને જુદા-જુદા નિષ્ણાતોની મદદથી ૧૪ જેટલા માપદંડના આધારે ટોચની ૧૦ ડે સ્કૂલ, બોર્ડિંગ સ્કૂલ તથા ઇન્ટરનૅશનલ સ્કૂલની યાદી બહાર પાડી છે.

ટૉપ-૧૦ સ્કૂલની પસંદગી કરવા માટે જે માપદંડો રાખવામાં આવ્યા હતા એમાં શૈક્ષણિક પ્રતિષ્ઠા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણેતર પ્રવૃત્તિની ગુણવત્તા, સ્પોટ્ર્સ એજ્યુકેશન તથા શિક્ષકોના વ્યવહાર જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે ટૉપ-૧૦ ઇન્ટરનૅશનલ સ્કૂલની યાદીમાં બૅન્ગલોરની ઇન્ડસ ઇન્ટરનૅશનલ સ્કૂલ પહેલા નંબરે છે, જ્યારે મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલ બીજા તથા મસુરીની વુડસ્ટૉક સ્કૂલ ત્રીજા ક્રમે છે. ટૉપ-૧૦ બોર્ડિંગ સ્કૂલમાં આંધ્ર પ્રદેશના ચિત્તુરમાં આવેલી રિશી વૅલી સ્કૂલ પહેલા નંબરે હતી, જ્યારે દેહરાદૂનની ધ દૂન સ્કૂલ બીજા તથા અજમેરની મેયો કૉલેજ ગલ્ર્સ સ્કૂલ ત્રીજા નંબરે હતી. ટોપ-૧૦ ડે સ્કૂલની યાદીમાં અમદાવાદની રિવરસાઇડ સ્કૂલ આઠમા નંબરે છે.

યાદીમાં સામેલ મુંબઈની સ્કૂલો

ફોર્ટની કૅથીડ્રલ ઍન્ડ જૉન કોનન સ્કૂલ, ટૉપ-૧૦ ડે સ્કૂલની યાદીમાં ત્રીજા નંબરે

થાણેની શ્રીમતી સુલોચનાદેવી સિંઘાનિયા સ્કૂલ, ટૉપ-૧૦ ડે સ્કૂલની યાદીમાં છઠ્ઠા નંબરે

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલ, ટૉપ-૧૦ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં બીજા નંબરે

ઑબેરૉય ઇન્ટરનૅશનલ સ્કૂલ, ટૉપ-૧૦ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં છઠ્ઠા નંબરે

ઇકૉલ મૉન્ડિયલ વર્લ્ડ સ્કૂલ, ટૉપ-૧૦ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં દસમા નંબરે