તામિલનાડુમાં ત્રાટકેલા ‘થાણે’ના ઝંઝાવાતમાં ૩૩ વ્યક્તિઓનાં મોત

31 December, 2011 04:19 AM IST  | 

તામિલનાડુમાં ત્રાટકેલા ‘થાણે’ના ઝંઝાવાતમાં ૩૩ વ્યક્તિઓનાં મોત

 

તામિલનાડુના દરિયાકિનારે ત્રાટકેલા ‘થાણે’ વાવાઝોડાને કારણે ૩૩ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હોવાની માહિતી મળી છે. આ વાવાઝોડાને કારણે તામિલનાડુના પૂર્વના દરિયાકિનારે ૧૭૦ કિલોમીટર દૂર આવેલા કુડ્ડાલોર જિલ્લામાં અને એની પાસે આવેલા પુડુચેરીમાં ભારે વિનાશ થયો છે. આ વાવાઝોડા અને વરસાદને કારણે દીવાલ ધસી પડવાથી અને ઇલેક્ટિÿક શૉક જેવી ઘટનાઓને કારણે કુડ્ડાલોરમાં ૨૧, પુડુચેરીમાં ૭, વિલ્લાપુરમાં બે, તિરુવલ્લુરમાં બે અને ચેન્નઈમાં એક અપમૃત્યુ નોંધાયાં છે.

કુડ્ડાલોર અને પુડુચેરીના દરિયાકિનારા પાસેથી પસાર થયેલા આ વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા પડી ગયા હતા અને એને કારણે અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. વળી રસ્તામાં રોડ પર વૃક્ષો પડ્યાં હોવાને કારણે રસ્તો બંધ થઈ ગયો હોવાથી પુડુચેરીનો સંપર્ક કપાઈ ગયો હતો.

જોકે પછી ‘થાણે’ પશ્ચિમ તરફ ફંટાઈ ગયું અને ક્રમશ: એ નબળું પડતું જાય છે. આ મુદ્દે વાત કરતાં એક વેધર-ઑફિસરે કહ્યું હતું કે ‘આ વાવાઝોડું ક્રમશ: નબળું પડતું જાય છે, પણ આગામી ૧૨થી ૨૪ કલાકમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારો અને પુડુચેરીમાં વરસાદ પડી શકે છે એટલે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.’

આ પરિસ્થિતિમાં તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જે. જયલલિતાએ તાત્કાલિક રાહત માટે ૧૫૦ કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી છે અને કૅબિનેટના ચાર પ્રધાનોને રાહત કામગીરી પર નજર રાખવા માટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાની સૂચના આપી દીધી છે.