રાજ ઠાકરેનું મગજ ઠેકાણે નથી : નીતીશકુમાર

03 September, 2012 03:02 AM IST  | 

રાજ ઠાકરેનું મગજ ઠેકાણે નથી : નીતીશકુમાર

કોઈ પણ દેશવાસીને ભારતના કોઈ પણ ખૂણે વસવાટ કરતાં કોઈ રોકી ન શકે અને દેશના બંધારણે જ નાગરિકોને એનો અધિકાર આપ્યો હોવા છતાં બિહારીઓની અસ્મિતાને આહ્વાન આપનારા એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેનું મગજ ઠેકાણે લાગતું નથી એવી ટીકા બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે ગઈ કાલે કરી હતી. તેમણે પોતાની દલીલ યોગ્ય ઠેરવતાં કહ્યું હતું કે ‘બીજાં રાજ્યોમાં જઈને પોલીસ-કાર્યવાહી કરતી વખતે કેટલાક નિયમો હોય છે. એનું પાલન નહોતું થયું એટલે બિહાર સરકારે મુંબઈપોલીસને પત્ર મોકલ્યો એમાં ભૂલ શું થઈ?’

મુંબઈપોલીસે તેમની પરવાનગી સિવાય બિહારમાં ગુનેગારોની ધરપકડ ન કરવી, નહીં તો તેમના પર અપહરણનો ગુનો દાખલ કરવામાં આવશે એવો પત્ર બિહારના મુખ્ય સચિવે મુંબઈના પોલીસ-કમિશનરને મોકલ્યો હતો. તેમના આ પત્ર વિશે ટિપ્પણી કરતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે જો તમે મુંબઈપોલીસ પર કાર્યવાહી કરશો તો અમે અહીં વસતા બિહારીઓને ઘૂસણખોર જાહેર કરીને ભગાવી દઈશું. પરિણામે એના પ્રત્યાઘાતરૂપે બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે રાજ ઠાકરે પર આકરા પ્રહાર કર્યા હતા.

રાજ ઠાકરે પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે ‘બિહારે મહારાષ્ટ્રની પોલીસ સાથે સહકાર્ય ન કર્યું હોય એવું નથી બન્યું. બીજા રાજ્યમાં પોલીસ-કાર્યવાહી કરતી વખતે કેટલાક નિયમો હોય છે એની જ યાદ મુખ્ય સચિવે પત્ર લખીને કરાવી હતી. બિહારીઓને હાંકી કાઢવાની ભાષાનો જો કોઈ ઉપયોગ કરતું હશે તો એને અમે સહન નહીં કરીએ. બિહારની અસ્મિતાને આહ્વાન આપવાનો રાજ ઠાકરેને કોઈ અધિકાર નથી. જોકે આવા લોકો સાથે જીભાજોડી કરવાની મારી સહેજ પણ ઇચ્છા નથી. રાજ ઠાકરેનું મગજ ઠેકાણે નથી.’  

નીતીશકુમારે એ વિશે ટીકા કરતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસની સરકાર રાજ ઠાકરે વિરુદ્ધ કાર્યવાહી શા માટે નથી કરતી? મહારાષ્ટ્રની પોલીસ અકાર્યક્ષમ છે કે શું? આવી પ્રવૃત્તિ પર અંકુશ મૂકવાની જવાબદારી કેન્દ્ર તેમ જ રાજ્ય સરકારની છે. જો તેઓ રાજ ઠાકરેને અટકાવી નથી શકતા તો આતંકવાદીઓનો સામનો કઈ રીતે કરશે? રાજ ઠાકરેની ધમકીથી બિહારી લોકોમાં સહેજ પણ ભયનું વાતાવરણ નથી.’

એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના