પ્રજાસત્તાક દિવસ પહેલાં દેશમાં આતંકવાદી હુમલાના ષડ્‌યંત્રનો પર્દાફાશ

22 January, 2026 09:18 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ISI અને જૈશ-એ-મોહમ્મદે દેશભરમાં હુમલા માટે બનાવ્યો હતો સીક્રેટ કોડ 26-26 પ્લાન

ગણતંત્ર દિવસ પહેલાં સુરક્ષાદળોએ કાશ્મીર સહિત ભારતના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરી દીધી છે

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) અને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પ્રજાસત્તાક દિવસ પહેલાં ભારતમાં આતંક ફેલાવવા માટે મોટું કાવતરું ઘડી કાઢ્યું હતું અને એનું કોડનેમ 26-26 રાખવામાં આવ્યું હતું એમ ભારતની ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું.

ઇન્ટેલિજન્સ ઇનપુટ મુજબ કાશ્મીરમાં મોટા હુમલાની યોજના હતી. આ સિવાય દિલ્હી અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં હુમલો કરવાનો હતો. આ જાણકારી મળ્યા બાદ દેશભરમાં સુરક્ષા-એજન્સીઓ સતર્ક બની છે અને સુરક્ષા-વ્યવસ્થા સધન બનાવવામાં આવી છે.

ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જૈશ-એ-મોહમ્મદ સોશ્યલ મીડિયા ગ્રુપના માધ્યમથી યુવાનોને ઉશ્કેરવાનું કામ કરે છે. ગુપ્તચર એજન્સીઓ કાશ્મીરી રેઝિસ્ટન્સ ગ્રુપ સાથે સંકળાયેલી ફાલ્કન સ્ક્વૉડ પર પણ નજર રાખી રહી છે. આ સ્ક્વૉડ લગાતાર ધમકીઓ આપે છે અને મુસ્લિમ યુવાનોને ઉશ્કેરવાની કોશિશ કરે છે.

ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટમાં અયોધ્યાના રામમંદિરનો પણ ઉલ્લેખ છે. જોકે ત્યાં ૬ ડિસેમ્બરને નજરમાં રાખીને પહેલેથી જ સુરક્ષા-વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે.

સૂત્રો જણાવે છે કે જૈશ-એ-મોહમ્મદ સિવાય પંજાબના કેટલાક ગૅન્ગસ્ટર પણ આતંકવાદીઓના નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. આના કારણે ઉત્તર ભારતમાં પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.

કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોને મળ્યો ૬ કિલોનો બૉમ્બ

ગણતંત્ર દિવસ પહેલાં સુરક્ષાદળોએ કાશ્મીર સહિત ભારતના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરી દીધી છે એને કારણે શોપિયાં જિલ્લામાં સર્ચ-ઑપરેશન દરમ્યાન અવનીરા ક્ષેત્રમાં જંગલમાં છ કિલોનો એક ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) મળી આવ્યો હતો. સુરક્ષાબળોએ એને નિયંત્રિત રીતે નિષ્ક્રિય કર્યો હતો.

national news india pakistan indian army jammu and kashmir