અમરનાથ યાત્રા પહેલાં ટેરર મૉડ્યુલનો પર્દાફાશ

29 June, 2022 09:25 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

બે ટેરરિસ્ટની પાંચ આઇઈડી, પાંચ રિમોટ કન્ટ્રોલ્સ અને અન્ય વિસ્ફોટક સામગ્રી સાથે ધરપકડ, તેમનો ત્રીજો સાથી એક સમયે ‘નમો સપોર્ટર’ હતો

જમ્મુમાં ગઈ કાલે અમરનાથ યાત્રાના પ્રારંભ પહેલાં ભગવતીનગર બેઝ કૅમ્પ ખાતે આવી પહોંચેલા યાત્રાળુઓ

શ્રીનગરઃ કાશ્મીર પોલીસે બે આતંકવાદીની ધરપકડની સાથે એક ટેરર મૉડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ બન્ને આતંકવાદીઓએ આઇઈડી (ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) બ્લાસ્ટ્સ કરવા માટે ડ્રોન્સ મારફત હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મેળવી હતી. ડ્રોન્સ દ્વારા સ્ટિકી બૉમ્બ્સ અને હથિયારો સરહદપારથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે, જે આ વર્ષે અમરનાથ યાત્રા માટે સૌથી મોટું જોખમ છે. 
જમ્મુ-કાશ્મીર પોલીસે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘બે આરોપીઓ-મોહમ્મદ શાબીર અને મોહમ્મદ સાદિકની ધરપકડ કરવામાં આવી છે. ત્રીજો આરોપી તલિબ શાહ ફરાર છે.’
શાબિર અને સાદિક બન્ને ગુજ્જર છે. તલિબ શાહે તેમને ગેરમાર્ગે દોર્યા હતા, જે રાજૌરી બ્લાસ્ટ કેસમાં માસ્ટરમાઇન્ડ છે. શાબિર અને સાદિક પાસેથી પાંચ આઇઈડી, પાંચ રિમોટ કન્ટ્રોલ્સ અને અન્ય વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઈ છે. 
તલિબ શાહ એક ન્યુઝ પોર્ટલ ‘ન્યુઝ સેહર ઇન્ડિયા’ ચલાવતો હતો. ૨૦૧૮માં તેના પ્રોફાઇલ પિક્ચરમાં ‘આઇ લવ નમો’ વંચાતું હતું. એ જ વર્ષે તેના ફેસબુક પેજ પર બીજેપીને સંબંધિત જુદી-જુદી પોસ્ટ્સ હતી. જોકે એ પછીથી આ ફેસબુક પેજને અપડેટ કરવામાં આવ્યું નથી.

સ્નિફર ડૉગ્સનો ઉપયોગ

અમરનાથ યાત્રા માટે ચુસ્ત સુરક્ષા-વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં યાત્રાળુઓની સુરક્ષા માટે પવિત્ર ગુફા તરફ જતાં વાહનોના રૂટ્સ પર ૧૩૦થી વધારે સ્નિફર ડૉગ્સના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ૨૦૦થી વધારે ડ્રોન્સનો ઉપયોગ થઈ રહ્યો છે.

આતંકના ખતરાને અવગણીને હજારો યાત્રાળુઓ જમ્મુ પહોંચ્યા

આતંકવાદી​ હુમલાના ખતરાને અવગણીને સેંકડો યાત્રાળુઓ ગઈ કાલે અમરનાથ યાત્રાના પ્રારંભ પહેલાં જમ્મુમાં ભગવતીનગર બેઝ કૅમ્પ ખાતે આવી પહોંચ્યા હતા. એ સાથે જ અહીંની હવામાં ‘બમ બમ ભોલે’ અને ‘જય બર્ફાની બાબા કી’નો જયનાદ ગુંજી ઊઠ્યો હતો. શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે ભગવાન શિવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના કારણે તેમને અમરનાથ યાત્રા કરવા માટે પ્રોત્સાહન મળ્યું હતું. લખનઉથી અમરનાથ યાત્રા માટે આવેલા ૧૨ જણના ગ્રુપમાં સામેલ વિનય કુમારે જણાવ્યું હતું કે ‘ન ચિંતા ન ભય, બાબા અમરનાથ કી જય.’

national news srinagar