06 May, 2025 08:57 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
સરિતા, કાવેરી
મેડિકલ કોર્સ બૅચલર ઑફ મેડિસિન ઍન્ડ બૅચલર ઑફ સર્જરી (MBBS)માં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી નૅશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી ટેસ્ટ (NEET)ની પરીક્ષામાં તેલંગણમાં એક દુર્લભ ક્ષણ જોવા મળી હતી, જ્યાં ૩૮ વર્ષની મમ્મી અને તેની દીકરીએ સાથે આ પરીક્ષા આપી હતી.
સૂર્યપેટ જિલ્લાની વતની એવી ૩૮ વર્ષની રજિસ્ટર્ડ મેડિકલ પ્રૅક્ટિશનર (RMP) ભુક્યા સરિતાએ સૂર્યપેટ સરકારી જુનિયર કૉલેજમાં આ પરીક્ષા આપી હતી અને તેની પુત્રી કાવેરીએ ખમ્મમમાં અલગ કેન્દ્રમાં આ પરીક્ષા આપી હતી.
સરિતાને MBBSની ડિગ્રી મેળવવી હતી અને એ તેનું વર્ષોનું સપનું છે. ૨૦૦૭માં તે બૅચલર ઑફ સાયન્સ (BSc)-નર્સિંગનો અભ્યાસ કરી રહી હતી ત્યારે લગ્નને કારણે તેણે છેલ્લા વર્ષમાં અભ્યાસ છોડવો પડ્યો હતો. ત્યાર બાદ બે દીકરીઓના ઉછેરને કારણે તેનો અભ્યાસ છૂટી ગયો. તેનો પતિ ભુક્યા કિશન પણ RMP છે. જ્યારે દીકરી કાવેરીએ MBBS કોર્સમાં ઍડ્મિશન માટે NEETની પરીક્ષાની તૈયારી શરૂ કરી ત્યારે સરિતાએ પણ NEET માટેની તૈયારી શરૂ કરી હતી. સરિતાના પતિએ પણ તેને આ પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહન આપ્યું હતું. NEETની પરીક્ષા મા અને દીકરી સાથે આપતાં હોય એવો આ અનોખો કેસ બની રહ્યો હતો. આ કેસ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે મહિલા સશક્તીકરણની વિકસતી ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે.